ફેમસ થવા માટે ગરદન કાપીને માથા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો, બાદમાં થયો ફરાર, પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હી: 13 ડિસેમ્બર, 2025: ઇન્દોર પોલીસે એક એવા કુખ્યાત બદમાશની ધરપકડ કરી છે, જેનો ગુનાઈત ઇતિહાસ પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દે તેવો છે. આરોપી વિરુદ્ધ ઇન્દોર અને મહારાષ્ટ્રમાં ચોરી, હત્યા અને હત્યાના પ્રયાસ જેવા 100થી વધુ ગંભીર કેસ નોંધાયેલા છે. આ એ જ આરોપી છે, જેણે ‘ફેમસ’ થવા માટે એક વ્યક્તિનું તલવારથી ગળું કાપી નાખ્યું હતું અને કપાયેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. આ ઘટના બાદ તેનું નામ ‘તલવાર સિંહ’ પડ્યું હતું.
7.50 લાખનો ચોરીનો માલ જપ્ત
ઝોન-3ના ડીસીપી રાજેશ વ્યાસે જણાવ્યું કે, પલાસિયા પોલીસ સ્ટેશને આરોપી અબ્દુલ રશીદની ધરપકડ કરી છે અને તેની પાસેથી લગભગ 7 લાખ 50 હજાર રૂપિયાનો ચોરીનો માલ જપ્ત કર્યો છે. આમાં સોના-ચાંદીના દાગીના અને લગભગ 50 હજાર રૂપિયાની ચોરીની બાઇક સામેલ છે. આરોપી મૂળ રૂપે ઇન્દોરના ખજરાના વિસ્તારનો રહેવાસી છે, પરંતુ છેલ્લા 18-19 વર્ષોથી મહારાષ્ટ્રના અકોલામાં રહેતો હતો.
800થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા
ચોરીની ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે ઇન્દોર પોલીસે ખાસ રણનીતિ બનાવી હતી. લગભગ 800થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી, બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા અને સતત દેખરેખ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ ગુનાને અંજામ આપતી વખતે પોતાનો ચહેરો પણ છુપાવ્યો નહોતો અને માત્ર 6 મિનિટમાં આખી ચોરી કરી લીધી હતી, જે તેના પ્રોફેશનલ ગુનેગાર હોવાની પુષ્ટિ કરે છે.
નશાની લત, ગુનો જીવનનો ભાગ
આ મામલે પોલીસે જણાવ્યું કે ,આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં લગભગ 55 કેસ નોંધાયેલા છે અને કેટલાક કાયમી વોરંટ પણ પેન્ડિંગ છે. જ્યારે પોલીસ તેને પકડવા અકોલા પહોંચી, ત્યારે તેની પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું છે કે તે તમામ પ્રકારના નશાની લતથી પરેશાન છે અને રોજેરોજ કમાવા-ખાવા માટે ચોરી કરે છે.
હાલમાં આરોપી ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ પર છે. પોલીસને આશંકા છે કે તેની પાસેથી ઇન્દોરમાં થયેલી અન્ય ચોરી અને બાઇક ચોરીના મામલાઓનો પણ ખુલાસો થઈ શકે છે.
આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ભારતીય સેના પિનાકા મિસાઇલ પર ફરી દાવ લગાવશે
આ પણ વાંચોઃ મુસ્લિમ વરરાજાએ CM યોગીની કરી પ્રશંસા, કહ્યું– ‘મારા લગ્ન માટે યુપી સરકાર જવાબદાર’












