
સુરતઃ 19 ઓક્ટોબર, 2025: Surat Railway Station Rush: દેશમાં દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતા જ પોતાના ઘરે પરત ફરવાની આશામાં પ્રવાસી મજૂરોની ભારે ભીડ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર ઉમટી પડી છે. હજારો લોકો ટિકિટ હોવા છતાં ટ્રેનમાં સવાર થઈ શકતા નથી. સ્ટેશનથી લઈને આસપાસના રહેણાંક વિસ્તારો સુધી મુસાફરોની લાંબી લાઇન જોવા મળી રહી છે. 12થી 18 કલાકથી ભૂખ્યા-તરસ્યા લોકો માત્ર એક જ વિનંતી કરી રહ્યા છે, ‘ભાઈ, ઘરે જવું છે, જગ્યા નથી મળતી…’
તમામ વ્યવસ્થાઓ નિષ્ફળ:
ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના હજારો પ્રવાસી મજૂરો શુક્રવાર રાતથી જ સ્ટેશન પર ધામા નાખીને બેઠા છે. ભીડ એટલી વધારે છે કે મુસાફરોની લાઇન સ્ટેશન પરિસરથી બહારના રસ્તા અને આસપાસના રહેણાંક વિસ્તારો સુધી ફેલાયેલી છે. વૃદ્ધો, મહિલાઓ, નાના બાળકો અને યુવાનો બધા જ તડકો અને ભૂખ-તરસની પરવા કર્યા વિના ટ્રેન પકડવાની આશામાં ઊભા છે.
અહેવાલો અનુસાર, ઘણા લોકો છેલ્લા 12થી 18 કલાકથી ખાધા-પીધા વિના લાઈનમાં ઊભા છે. સ્ટેશનની બહારના રસ્તાઓ પર પગ મૂકવાની પણ જગ્યા નથી. ઘણા લોકો પ્લેટફોર્મ પર જમીન પર જ બેઠેલા છે, જ્યારે કેટલાક છાંયડાની શોધમાં આસપાસના ઘરો અને દુકાનોની આસપાસ આશરો લઈ રહ્યા છે.
ટિકિટ હોવા છતાં મુસાફરોને જગ્યા નથી:
રેલ્વે તંત્રએ દાવો કર્યો હતો કે, વધારાની હજારથી વધુ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જમીની હકીકત તેનાથી વિપરીત જોવા મળી રહી છે. અનેક મુસાફરો પાસે ટિકિટ હોવા છતાં તેઓ ટ્રેનમાં ચડી શકતા નથી. યુપી-બિહાર જનારી ટ્રેનોમાં સવાર થવા માટે લોકો રાતથી લાઈનોમાં ઊભા છે, પરંતુ તેમને હજી સુધી ટ્રેન મળી નથી.
મુંબઈ અને દિલ્હીના સ્ટેશનો પર પણ આવી જ તસવીરો સામે આવી રહી છે, જ્યાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ટ્રેનના ડબ્બાઓ પણ ખીચોખીચ ભરેલા છે.
આ પણ વાંચોઃ બાબા વાંગાની સોના વિશે શું આગાહી છે? 2026 માં દર શું રહેશે? તે સાંભળીને તમે ચોંકી જશો












