શાહ દંપત્તિએ સુરતીઓને લગાવ્યો કરોડોનો ચૂનો, ખજુર અને જાનકી બોડીવાલા પાસે કરાવતા હતાં પ્રચાર

સુરત, તા. 3 સપ્ટેમ્બર, 2025: સુરતના શાહ પરિવારે અનેક લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. તેમણે લોકોને છેતરવા માટે ખજૂરભાઈ જેવા જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર્સ અને ફિલ્મી અભિનેત્રી જાનકી બોડીવાલાનો ઉપયોગ કર્યો હતો. આ સ્ટાર્સ પાસે તેઓ પોતાની સ્કીમ્સનો પ્રચાર કરાવતા હતા. આ કપલ હાલ ફરાર છે અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ સુરતમાં ભારે ચકચાર મચાવી છે.
મળતી વિગત પ્રમાણે, શહેરના સિંગણપોર કોઝવે રોડ પર આવેલા સિલ્વર સ્ટોન આર્કેડમાં “શાહ ઈન્વેસ્ટમેન્ટ” નામે શેર ટ્રેડિંગ ઓફિસ ચલાવતા હાર્દિક શાહ અને તેની પત્ની પૂજાના કરોડો રૂપિયાના છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ દંપતીએ રોકાણકારોને 100 દિવસમાં 12 થી 15 ટકાના આકર્ષક વળતરની લાલચ આપી અનેક લોકોને તેમની જાળમાં ફસાવ્યા હતા.આ દંપતીએ તેમની સ્કીમને લોકપ્રિય બનાવવા માટે જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ તેમજ ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, મિત્રા ગઢવી, અને પૂજા જોશી જેવા ચહેરાઓનો ઉપયોગ કર્યો હતો. આ સ્ટાર્સના વીડિયો દ્વારા તેમણે રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો.
હાલમાં આ મામલે સુરતમાં રૂ. 30 લાખની છેતરપિંડી સામે આવી છે. આ ઉપરાંત, ભાવનગરના બે વેપારીઓના રૂ. 1.33 કરોડ ફસાવવા બદલ CID ક્રાઈમમાં ઠગાઈનો ગુનો નોંધાયો છે. માત્ર બે જ દિવસમાં શાહ દંપતી વિરુદ્ધ આ બીજો ગુનો દાખલ થયો છે. આ સમગ્ર કૌભાંડમાં અનેક રોકાણકારોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. એક પીડિત યુવકે જણાવ્યું કે તેણે આ સ્કીમમાં વિશ્વાસ મૂકી રૂ. 11 લાખનું રોકાણ કર્યું હતું. સીઆઈડી ક્રાઈમ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ મારૂતિ કરશે ધમાકો, ક્રેટા અને નેક્સનને ટક્કર આપવા લોન્ચ કરશે આ ધાંસૂ SUV












