ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

18 વર્ષથી નાના વિદ્યાર્થીઓને મુક્ત કરો, કોઈ સ્ટુડન્ટ સામે કાર્યવાહી નહીં: જંતર-મંતર પ્રદર્શન કેસમાં સુપ્રીમનો આદેશ

National News: જંતર-મંતર ખાતે NEET પેપર લીક મુદ્દે થયેલા વિદ્યાર્થી પ્રદર્શનને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ અને દૂરગામી અસર કરતો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ કહ્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને કોઈપણ પ્રદર્શનકારી વિદ્યાર્થી સામે કોઈ પ્રકારની દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે. જોકે જેમનો અગાઉથી ગંભીર ગુનાહિત ઇતિહાસ છે એવા લોકો માટે આ રાહત લાગુ પડશે નહીં.

કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત સાત રાજ્યોને નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. સાથે જ કેસ સાથે જોડાયેલા તમામ મહત્વના પુરાવા જેમ કે CCTV ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, વાયરલેસ કમ્યુનિકેશન અને અન્ય તમામ સંબંધિત દસ્તાવેજો તથા ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો છે.

લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર, પરંતુ જવાબદારી નક્કી થવી જોઈએ

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ સામાન્ય બાબત છે અને દરેક નાગરિકને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે. જોકે જો કોઈ પણ પક્ષ તરફથી ગેરવર્તન અથવા કાયદાનો ભંગ થયો હોય તો તેની સંપૂર્ણ સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ થવી જ જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે જો ઘટનાની જવાબદારી નક્કી કરવામાં નહીં આવે તો તપાસનો કોઈ અર્થ રહેશે નહીં. જે વ્યક્તિએ કાયદાનો ભંગ કર્યો હશે તેના વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.

વિદ્યાર્થીઓનો ડિજિટલ ડેટા જાહેર નહીં કરાય

સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપતા કહ્યું કે પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓનો ડિજિટલ ડેટા, મોબાઇલ માહિતી અને વ્યક્તિગત વિગતો જાહેર કરવામાં નહીં આવે. કોર્ટે વિદ્યાર્થીઓની ગોપનીયતા જાળવવા પર ખાસ ભાર મૂક્યો હતો.

હાઇ લેવલ કમિટી રચાશે

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યોનો જવાબ મળ્યા બાદ સમગ્ર ઘટનાની તપાસ માટે હાઇ લેવલ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરશે અને જવાબદારી નક્કી કરશે.

પેલેટ ગન અને પોલીસ કાર્યવાહીના ગંભીર આરોપોનો ઉલ્લેખ

સુનાવણી દરમિયાન અરજદારો તરફથી પોલીસ કાર્યવાહી અંગે અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. ચીફ જસ્ટિસે નોંધ્યું કે અરજીઓમાં જણાવ્યા મુજબ: પેલેટ ગનના ઉપયોગથી 19 વર્ષીય યુવકની આંખની રોશની જતી રહી હોવાનો આરોપ છે. ઇલેક્ટ્રિક બેટન વડે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ છે. એક યુવતીને ગંભીર ઈજા પહોંચતા ICUમાં દાખલ કરવી પડી હોવાનો દાવો કરવામાં આવ્યો. ખીલાવાળી લાઠીઓનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હોવાના પણ આરોપ છે. એક મીડિયા કર્મચારી પર બેરહેમીથી હુમલો કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો. સિવિલ ડ્રેસમાં રહેલા કેટલાક પોલીસકર્મીઓ દ્વારા પણ હિંસા કરવામાં આવી હોવાના આરોપો મૂકાયા. એક મહિલા પ્રદર્શનકારીને કોઈ ઉશ્કેરણી વિના પોલીસકર્મીએ થપ્પડ મારી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

કોર્ટે સ્પષ્ટ કર્યું કે સમગ્ર મામલે કોઈ પૂર્વગ્રહ રાખ્યા વિના તપાસ કરવામાં આવશે. જે પણ વ્યક્તિ અથવા અધિકારી દોષિત સાબિત થશે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે, જ્યારે નિર્દોષ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેની પણ ખાતરી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટનો આ આદેશ જંતર-મંતર પ્રદર્શન અને NEET પેપર લીક વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા હજારો વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્યોના જવાબ બાદ આ કેસમાં આગામી સુનાવણી દરમિયાન વધુ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ નીટ પેપર લીક પર સંબોધનવાળો પીએમ મોદીનો વીડિયો ફેસબુકે બ્લોક કરી દીધો, હોબાળો થતાં સ્પષ્ટતા આપી
Back to top button