શેરબજારમાં તેજીનો ધમાકો! સેન્સેક્સ 905 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,900ને પાર, રોકાણકારોમાં ખુશીની લહેર
Share Market: ભારતીય શેરબજારમાં ગુરુવારે જોરદાર તેજી જોવા મળી હતી. અગાઉના કારોબારી સત્રમાં ઘટાડા બાદ આજે બજારે શાનદાર વાપસી કરી હતી. બીએસઈ સેન્સેક્સ 905.01 પોઈન્ટ એટલે કે 1.24 ટકા વધીને 74,151.04ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 237.90 પોઈન્ટ એટલે કે 1.05 ટકાના વધારા સાથે 22,936.75 પર બંધ થયો હતો. બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને અન્ય ક્ષેત્રોના શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી હતી.
2,443 શેરોમાં તેજી, 1,615 શેરોમાં ઘટાડો
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં કુલ 2,443 શેરોમાં વધારો નોંધાયો હતો, જ્યારે 1,615 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 127 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. બજારમાં ઓટો સેક્ટરને બાદ કરતાં મોટા ભાગના સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી બેન્ક, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા, ઇન્ફ્રા, આઈટી અને બેન્કિંગ ઇન્ડેક્સમાં લગભગ એક ટકાની તેજી નોંધાઈ હતી.
અદાણીના શેરોમાં જોરદાર ખરીદી
આજના ટ્રેડિંગમાં અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝિસ, કોટક મહિન્દ્રા બેન્ક અને પાવર ગ્રીડના શેરો નિફ્ટીના મુખ્ય વધનારા શેરોમાં સામેલ રહ્યા હતા. બીજી તરફ ટ્રેન્ટ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ અને હિન્દાલ્કોના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ લગભગ એક ટકાનો વધારો જોવા મળ્યો હતો.
અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણયની અસર
શેરબજારમાં તેજી પાછળ અમેરિકન ફેડરલ રિઝર્વનો વ્યાજદર યથાવત્ રાખવાનો નિર્ણય, વિદેશી રોકાણકારોની ખરીદી અને ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોનો ટેકો મહત્ત્વપૂર્ણ પરિબળ રહ્યાં હતાં. ફેડરલ રિઝર્વે વ્યાજદર 3.75થી 4 ટકાની રેન્જમાં યથાવત્ રાખ્યા હતા. બુધવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ આશરે ₹872 કરોડના ભારતીય શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ ₹643 કરોડની ખરીદી નોંધાવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
એશિયન પેઇન્ટ્સનો નફો વધ્યો, રેલવે કંપનીને મોટો ઓર્ડર
કંપનીઓના ત્રિમાસિક પરિણામો પણ ચર્ચામાં રહ્યાં હતાં. એશિયન પેઇન્ટ્સનો બીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 7.6 ટકા વધીને ₹1,068 કરોડ થયો હતો, જ્યારે આવક 16.9 ટકા વધીને ₹9,976.5 કરોડ થઈ હતી. બીજી તરફ ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગને રેલવે મંત્રાલય તરફથી 1,020 વધારાના વેગન બનાવવા માટે ₹412.32 કરોડનો ઓર્ડર મળ્યો હતો. આ સાથે કંપનીના સંબંધિત કોન્ટ્રાક્ટનું કુલ મૂલ્ય કર સહિત ₹1,786.74 કરોડ થયું છે.












