ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ટ્રેડિંગના છેલ્લા દિવસે શેરબજારમાં ધબડકો, સેન્સેક્સ 455 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24,550ની નીચે સરક્યો

Stock Market: ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેની ભૂરાજકીય અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને RBIના ડ્રાફ્ટ નિયમોને લઈને ઉભી થયેલી ચિંતાના કારણે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.

બપોરે લગભગ 3 વાગ્યે સેન્સેક્સ 455 પોઇન્ટના ઘટાડા સાથે 78,434.89 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 65 પોઇન્ટ ઘટીને 24,570.65 પર પહોંચ્યો હતો. દિવસ દરમિયાન નિફ્ટી 24,600ના મહત્વના સ્તરની નીચે સરકી ગયો હતો.

બજાર કેમ તૂટ્યું?

બજારમાં નબળાઈ પાછળ મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી અને અમેરિકા-ઈરાન વચ્ચેના શાંતિ પ્રયાસોને લઈને ઉભી થયેલી અનિશ્ચિતતા માનવામાં આવી રહી છે. ભારત પોતાની મોટાભાગની ક્રૂડ ઓઇલની જરૂરિયાત આયાતથી પૂરી કરતું હોવાથી તેલના ભાવમાં વધારો આયાત ખર્ચ, વેપાર ખાધ અને મોંઘવારી વધારવાની આશંકા ઊભી કરે છે, જેના કારણે રોકાણકારો સાવચેત બન્યા હતા.

બીજી તરફ RBI દ્વારા નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC)ના કેટલાક રિવોલ્વિંગ ક્રેડિટ પ્રોડક્ટ્સ અંગે રજૂ કરાયેલા ડ્રાફ્ટ પ્રસ્તાવથી પણ ફાઇનાન્સિયલ શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

આ શેરોમાં સૌથી વધુ દબાણ

નિફ્ટી-50માં Bajaj Finance, Bajaj Finserv અને Shriram Financeના શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. ખાસ કરીને Bajaj Financeનો શેર અંદાજે 6 ટકા સુધી તૂટ્યો, જેના કારણે સમગ્ર ફાઇનાન્સિયલ સેક્ટર પર નકારાત્મક અસર પડી.

આ પણ વાંચોઃ ફાટેલી નોટ બદલવાનો બેંક ઇનકાર ન કરી શકે, જાણો RBIના નિયમો
Back to top button