વીમા પ્રિમીયમ બનશે સસ્તા, 18 ટકા જીએસટી દૂર કરવા રાજ્યોની સંમતિ

નવી દિલ્હી, 21 ઓગસ્ટ, 2025: વીમા પ્રિમીયમ પર હાલમાં સરકાર દ્વારા 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. તેમાંયે ખાસ કરીને આરોગ્ય વીમા પર કર દૂર કરવાની અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેને ધ્યાનમાં લઇને કેન્દ્રએ આરોગ્ય અને જીવન વીમા પર 19 ટકા જીએસટી દૂર કરવાની દરખાસ્ત કરી છે જેમાં તમામ રાજ્યોએ સંમતિ આપી હોવાની વિગતો બહાર આવી છે.
વીમા પરના મંત્રીઓના જૂથ (જીઓએમ)ના સંયોજક સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતુ કે ગઇકાલે યોજાયેલ બેઠકમાં તમામ રાજ્યોએ આ દરખાસ્ત પોતાનું સમર્થન આપ્યુ છે. જ્યારે તેલંગણાના નાયબ મુખ્યપ્રધાન મલ્લુ ભટ્ટી વિક્રમાર્કે જણાવ્યું છે કે રાજ્યોએ એ સુનિશ્ચિત કરવાની માંગ કરી છે કે ટેક્સમાં ઘટાડોનો લાભ કંપનીઓને નહીં પણ ડાયરેક્ટ પોલિસીધારકોને મળવો જોઇએ.
વિક્રમાર્કે જણાવ્યું હતું કે રાજ્યો ઇચ્છે છે કે ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવે અથવા તેમાંથી મુક્તિ આપવામાં આવે. કેટલાક રાજ્યોએ માંગ કરી છે કે એવી વ્યવસ્થાની રચના કરવામાં આવે જેથી દરોમાં ઘટાડાનો લાભ લોકો સુધી પહોંચી શકે. જીએસટી કાઉન્સિલ આ વ્યવસ્થા અંગે નિર્ણય લેશે. સામે જો આ મુક્તિ અપાશે તો રૂ. 9700 કરોડનુ નુકસાન જવાનો પણ ભય છે. 2023-24માં આરોગ્ય વીમાના પ્રિમીયમ પર 8284.94 કરોડ રૂપિયા જીએસટી વસૂલવામાં આવ્યો હતો.
નાણા પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું છે કે જીએસટી સુધારાઓ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સપ્તાહોમાં કેન્દ્ર સરકાર જીએસટી સુધારાઓ અંગે રાજ્યો સાથે સંમતિ સાધવાનું કાર્ય કરશે. તેઓ જીઓએમને મળ્યા હતા અને આ બેઠકમાં નાણા પ્રધાને જીએસટી સુધારાઓની જરૂરિયાત સમજાવી હતી.
આ પણ વાંચોઃ શનિ અમાસ પર આ ભૂલોથી બચજો, નહિતર લાગી શકે છે શનિદોષ, જાણો પૂજન વિધિ












