ગુજરાત

સ્ટેટ IBના PI કેતન દવે 80 હજારની લાંચ લેતા ઝડપાયા, પ્રોટેક્શન રિન્યુ કરવા માંગી હતી લાંચ

Ahmedabad News: ગુજરાત પોલીસના સૌથી મહત્વના અને સંવેદનશીલ ગણાતા સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (State IB) માં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર કેતન દવે એસીબીના હાથે લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. સાણંદના એક વ્યક્તિનું પોલીસ પ્રોટેક્શન ચાલુ રાખવા માટે હકારાત્મક અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની લાંચ લેતા પીઆઈ દવેને ગાંધીનગરની સરગાસણ ચોકડી પાસેથી દબોચી લેવામાં આવ્યા છે.

પોલીસ પ્રોટેક્શનના રિપોર્ટ માટે લાંચની માંગણી

ઘટનાની વિગતો અનુસાર, સાણંદ વિસ્તારમાં રહેતા એક અરજદારને અગાઉના આઈબી રિપોર્ટના આધારે પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવ્યું હતું. આ વર્ષે પ્રોટેક્શનની મુદત પૂર્ણ થતી હોવાથી તેને રિન્યુ કરાવવા માટે અરજદારે પ્રક્રિયા હાથ ધરી હતી. આ કેસનો હકારાત્મક અભિપ્રાય આપવાની સત્તા સ્ટેટ આઈબી અમદાવાદ રિજિયનના પીઆઈ કેતન ગીરીશભાઈ દવે પાસે હતી. પીઆઈ દવેએ આ કામ માટે અરજદાર પાસે 80 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

એસીબીની સરગાસણ ચોકડી પર ફિલ્મી ઢબે ટ્રેપ

અરજદાર આ ભ્રષ્ટાચારનો ભોગ બનવા માંગતા ન હોવાથી તેમણે તુરંત એસીબી (ACB)નો સંપર્ક સાધ્યો હતો. એસીબી ફિલ્ડ પીઆઈ એચ. બી. ચાવડાના નેતૃત્વમાં એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પીઆઈ દવેએ લાંચની રકમ સ્વીકારવા માટે અરજદારને ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં બોલાવ્યા હતા. જ્યારે પીઆઈ દવે અરજદારની કારમાં બેસીને લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ એસીબીની ટીમે ત્રાટકી તેમને લાંચના નાણાં સાથે ઝડપી પાડ્યા હતા.

લાખના પગારદાર અને પ્રમોશનના એક જ વર્ષમાં ભ્રષ્ટાચાર

તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા પીઆઈ કેતન દવે અંદાજે એકાદ લાખ રૂપિયા જેટલો પગાર મેળવે છે. તેઓ 10 વર્ષ અગાઉ સ્ટેટ આઈબીમાં પીએસઆઈ તરીકે સીધી ભરતીથી જોડાયા હતા અને માત્ર એકાદ વર્ષ અગાઉ જ તેમને પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું હતું. ઉચ્ચ હોદ્દો, જવાબદારી અને સારો પગાર હોવા છતાં લાલચમાં આવીને લાંચ લેતા ઝડપાતા પોલીસ વિભાગની છબી ખરડાઈ છે.

પોલીસ તપાસ અને કાર્યવાહી

એસીબીએ પીઆઈ કેતન દવેની ધરપકડ કરી તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એસીબી હવે એ પણ તપાસી રહી છે કે અગાઉ તેમણે અન્ય કેટલા લોકો પાસે આ પ્રકારે નાણાંની માંગણી કરી હતી. ગુપ્તચર વિભાગ જેવા મહત્વના વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાતા રાજ્યના ગૃહ વિભાગમાં પણ આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે.

આ પણ વાંચો: Bharuch Crime: 15 દિવસથી ગુમ મહિલાની હત્યા કરી લાશ દાટી દીધી, પોલીસે લાશ કાઢી બહાર અને…

Back to top button