ટીમ ઈન્ડિયાએ જીતો મહિલા ટી20 એશિયા કપનો ખિતાબ, ફાઈનલમાં શ્રીલંકાને 72 રને હરાવી
Women’s Asia Cup 2026 Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફરી એકવાર એશિયામાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મહિલા એશિયા કપ 2026ની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 72 રનથી પરાજય આપીને રેકોર્ડ 8મી વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 183 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
શેફાલી-સ્મૃતિની 129 રનની ધમાકેદાર ભાગીદારી
ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શરૂઆતથી જ શ્રીલંકાના બોલરો પર દબાણ બનાવ્યું હતું. બંનેએ પ્રથમ વિકેટ માટે 129 રનની શાનદાર ભાગીદારી કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.
શેફાલી વર્માએ આક્રમક અંદાજમાં બેટિંગ કરતાં માત્ર 39 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો હતો. બીજી તરફ સ્મૃતિ મંધાનાએ પણ 39 બોલમાં 59 રન ફટકાર્યા હતા, જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા.
જોરદાર શરૂઆત બાદ ભારતીય ઇનિંગ લથડી
શેફાલી અને સ્મૃતિ જે રીતે બેટિંગ કરી રહી હતી તેને જોતા એક સમયે ભારતનો સ્કોર 200 રનને પાર જશે તેમ લાગી રહ્યું હતું. જોકે પ્રથમ વિકેટ પડ્યા બાદ શ્રીલંકાના બોલરોએ મેચમાં વાપસી કરી હતી.
ભારતે આગામી 54 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઋચા ઘોષે 17 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 14 રનનું યોગદાન આપ્યું હતું. જી. કમાલિનીએ અંતિમ ઓવરોમાં ઝડપી બેટિંગ કરીને 15 રન બનાવ્યા અને અણનમ રહી હતી. ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 183 રનનો મજબૂત સ્કોર ઊભો કર્યો હતો.
184 રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની ખરાબ શરૂઆત
184 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી રહી નહોતી. માત્ર 4 રનના સ્કોર પર ઈમેશા દુલાની 4 રન બનાવી પેવેલિયન પરત ફરી હતી.
ત્યારબાદ કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને વિશ્મી ગુણારત્નેએ બીજા વિકેટ માટે 58 રનની ભાગીદારી કરીને શ્રીલંકાની આશા જીવંત રાખી હતી. જોકે ચમારી 32 બોલમાં 36 રન બનાવી આઉટ થતાં શ્રીલંકાની ઇનિંગ ફરી લથડી ગઈ હતી.
વિશ્મી ગુણારત્નેએ 20 અને નીલાક્ષી સિલ્વાએ 22 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ અન્ય બેટર્સ ભારતીય બોલરો સામે લાંબો સમય ટકી શક્યા નહોતા.
શ્રી ચરણીની ઘાતક બોલિંગ, શ્રીલંકા 111માં ઓલઆઉટ
ભારતીય બોલરોએ ફાઈનલ જેવી મોટી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને શ્રી ચરણીએ શ્રીલંકાની બેટિંગ લાઇનઅપને મોટો ઝટકો આપતાં ચાર વિકેટ ઝડપી હતી. તેના ઘાતક સ્પેલ સામે શ્રીલંકાના બેટર્સ સતત દબાણમાં રહ્યા હતા.
આખરે શ્રીલંકાની આખી ટીમ 20 ઓવરમાં 111 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મુકાબલો 72 રનના મોટા અંતરથી જીતીને એશિયા કપની ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
8મી વખત ભારત એશિયા કપ ચેમ્પિયન
આ જીત સાથે ભારતીય મહિલા ટીમે મહિલા એશિયા કપના ઇતિહાસમાં પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવ્યું છે. ભારતે રેકોર્ડ 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલમાં શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની શાનદાર બેટિંગ બાદ ભારતીય બોલરોના દમદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત નોંધાવી હતી.
દુબઈમાં મળેલી આ યાદગાર જીત સાથે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર સાબિત કર્યું કે મહિલા ક્રિકેટમાં એશિયાની સૌથી સફળ ટીમ તરીકે ભારતનું વર્ચસ્વ યથાવત છે.
આ પણ વાંચો: ભારતે નકવીના હાથેથી ટ્રોફી ન લીધી, એશિયા કપ જીત્યા બાદ મોટો ડ્રામા











