સ્પોર્ટ્સ

‘ઉંમર નહીં પણ…’, રોહિત-કોહલીના વર્લ્ડ કપ 2027માં રમવા અંગે MS ધોનીનું મોટું નિવેદન

Sports News: આગામી વર્ષે એટલે કે 2027માં વનડે ક્રિકેટનો વર્લ્ડ કપ રમાનાર છે, ત્યારે રોહિત અને કોહલી આ વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે અને ક્રિકેટ ચાહકોના મનમાં પણ સવાલો ઉઠી રહ્યા છે, આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બંને વર્લ્ડ ક્લાસ ખેલાડી અંગે મોટું નિવેદન આપ્યું છે.

MS ધોનીએ રોહિત અને કોહલી અંગે શું કહ્યું?

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2027ના ODI વર્લ્ડ કપ માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે ચાલી રહેલી ચર્ચા અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ધોનીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘વર્લ્ડ કપમાં રમવા માટે ઉંમર નહીં, ફિટનેસ અને પ્રદર્શન માપદંડ હોવા જોઈએ’. એક કાર્યક્રમ દરમિયાન, 44 વર્ષીય ધોનીએ રોહિત અને કોહલી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ’30 કરતા વધુ કોઈ કોઈ ખેલાડીની ઉંમર હોય તો તેના પર સવાલ કરવો તે યોગ્ય નથી. રોહિત અને કોહલી (ROKO) જેવા અનુભવી ખેલાડીઓ અંગેનો નિર્ણય તેઓ પોતે લેશે, કારણ કે તેમણે નક્કી કરવું પડશે કે તેઓ દેશ માટે કેટલો સમય રમવા માંગે છે’.

શું ઉંમર મહત્ત્વની છે? : MS ધોની

એક કાર્યક્રમ દરમિયાન, MS ધોનીએ કહ્યું કે, ‘શું ઉંમર મહત્ત્વની છે? બિલકુલ નહીં. ફિટનેસ સર્વોપરી છે. જો 22 વર્ષનો ખેલાડી ફિટ ન હોય, તો તે ટીમમાં ન હોવો જોઈએ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે નિર્ધારિત ધોરણો છે. રોહિત અને વિરાટ, કે ભવિષ્યમાં કોઈ અન્ય ખેલાડી, આગામી વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે નક્કી કરવાનું અમારું કામ નથી. જો તેઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા હોય અને દેશ માટે રમવાનો જુસ્સો હોય, તો તેમણે ચોક્કસપણે રમવું જોઈએ’.

અગરકરના નિવેદનથી થયો વિવાદ

ગયા વર્ષે રોહિત શર્મા અને વિરાટ કોહલીની 2027 વર્લ્ડ કપમાં રમવા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી જ્યારે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે ગયા વર્ષે કહ્યું હતું કે, બંને ખેલાડીઓ ટુર્નામેન્ટ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ નથી. 2027 ODI વર્લ્ડ કપ સમયે રોહિત 40 વર્ષથી વધુ ઉંમરનો હશે, જ્યારે કોહલીની ઉંમર પણ 39 વર્ષની આસપાસ હશે. જોકે, આ દરમિયાન, બંને દિગ્ગજ બેટ્સમેનોએ ODI ક્રિકેટમાં પ્રભાવશાળી પ્રદર્શનથી તેમના ટીકાકારોને જવાબ આપ્યો છે. તેમના સતત પ્રદર્શનથી સાબિત થયું છે કે અનુભવ અને વર્ગ ઉંમર કરતાં વધુ મહત્વપૂર્ણ છે. ધોનીએ ટીમ પસંદગીમાં સંતુલન વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે યુવા ઉત્સાહ અને અનુભવનું યોગ્ય મિશ્રણ જરૂરી છે, પરંતુ આ ફિટનેસના ભોગે ન હોવું જોઈએ.

Back to top button