
Fifa World Cup: ફીફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં જ્યારે આર્જેન્ટિના અને સ્પેનની ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરશે, ત્યારે માત્ર ખેલાડીઓ પર જ નહીં, પરંતુ મેચના મુખ્ય રેફરી સ્લાવકો વિન્સિક (Slavko Vinčić) પર પણ આખી દુનિયાની નજર રહેશે. ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં લિયોનલ મેસી અને લેમિન યામાલ જેવા દિગ્ગજ સિતારાઓ મેદાન પર હશે ત્યારે વિન્સિક પર ખૂબ મોટી જવાબદારી રહેશે. સ્લોવેનિયાના આ અનુભવી રેફરી માટે આ નિમણૂક એક સપનું સાકાર થવા જેવી છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પાંચ વર્ષ પહેલાં તેમનું કરિયર એક એવા વિવાદમાં ફસાયું હતું, જેણે તેમની આખી જિંદગી બદલી નાખી હતી.
વર્ષ 2020માં એક કથિત સેક્સ પાર્ટી પર પોલીસ દરોડા દરમિયાન સ્લાવકો વિન્સિકનું નામ સામે આવ્યું હતું. તે સમયે એવું લાગી રહ્યું હતું કે તેમનું કરિયર હવે હંમેશા માટે ખતમ થઈ જશે. જો કે, લાંબી તપાસ બાદ તેઓ નિર્દોષ સાબિત થયા હતા અને આજે તેઓ ફૂટબોલ જગતના સૌથી મોટા મુકાબલાનું સંચાલન કરવા જઈ રહ્યા છે.
શું હતો આખો મામલો?
બ્રિટિશ અખબાર ‘ડેઇલી મેઇલ’ના અહેવાલ મુજબ, સ્લાવકો વિન્સિક એક બિઝનેસ મીટિંગના સિલસિલામાં બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિનાના બિજેલ્જિના શહેરમાં ગયા હતા. ત્યાં તેમને લંચ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. પરંતુ તેઓ ત્યાં પહોંચ્યાના થોડી જ વારમાં પોલીસે તે જગ્યા પર દરોડો પાડ્યો હતો. પોલીસનો દાવો હતો કે ત્યાં એક કથિત વેશ્યાવૃત્તિ રેકેટ (Prostitution Racket) સક્રિય હતું.
પોલીસની આ કાર્યવાહી દરમિયાન વિન્સિક સહિત ઘણા લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ દરોડામાં 26 પુરુષો અને 9 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી કોકેઈનના ચાર પેકેટ, 10 પિસ્તોલ, ત્રણ બુલેટપ્રૂફ જેકેટ અને 10,000 યુરો કરતાં વધુની રોકડ પણ જપ્ત કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને સ્લાવકો વિન્સિક વિરુદ્ધ કોઈ ગુનાહિત પુરાવા કે સંલિપ્તતા મળી ન હતી. તેમની માત્ર એક સાક્ષી તરીકે પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસની મુખ્ય આરોપી તિયાના મક્સિમોવિચે આગલા વર્ષે કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, જેના પછી તેને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ વિવાદ પર રેફરી વિન્સિકે શું કહ્યું હતું?
બાદમાં સ્લોવેનિયાના સ્થાનિક મીડિયા ‘Vecer’ સાથેની વાતચીતમાં સ્લાવકો વિન્સિકે આ આખી ઘટના પર મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “હું ત્યાં તદ્દન અકસ્માતે પહોંચી ગયો હતો. મારો પોતાનો બિઝનેસ છે અને હું એક મીટિંગ માટે બોસ્નિયા ગયો હતો. ત્યાં લંચનું આમંત્રણ સ્વીકારવું એ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. અચાનક પોલીસ આવી અને આખો મામલો બદલાઈ ગયો.”
વિન્સિકે સ્પષ્ટતા કરી હતી કે ધરપકડ કરાયેલા લોકો સાથે તેમનો કોઈ સંબંધ નહોતો અને તેઓ તે ગેંગને ઓળખતા પણ નહોતા. સ્લોવેનિયા ફૂટબોલ રેફરી એસોસિએશનના પ્રમુખ વ્લાડો સાજને પણ તે સમયે વિન્સિકનો બચાવ કરતા કહ્યું હતું કે, આ રેફરી માત્ર ખોટા સમયે ખોટી જગ્યાએ હાજર હતા અને તેમની સામે કોઈ કેસ નોંધાયો નથી.
આ મોટા વિવાદને પાછળ છોડીને સ્લાવકો વિન્સિકે મેદાન પર સતત શાનદાર પ્રદર્શન કર્યું અને યુરોપના સૌથી ભરોસાપાત્ર રેફરીઓમાં સ્થાન મેળવ્યું. તેમણે UEFA ચેમ્પિયન્સ લીગ, યુરોપિયન પ્રતિયોગિતાઓ અને ઘણી મોટી આંતરરાષ્ટ્રીય મેચોમાં રેફરિંગ કર્યું છે. હવે ફિફા (FIFA) એ તેમને આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેના ૨૦૨૬ વર્લ્ડ કપ ફાઇનલની ઐતિહાસિક જવાબદારી સોંપી છે. આ ટૂર્નામેન્ટમાં તેમની આ ચોથી મેચ હશે અને તેમના કરિયરનો સૌથી મોટો મુકાબલો સાબિત થશે.
આ પણ વાંચોઃ ડોક્ટરની ટીમે કમાલ કરી: મજૂરના શરીરમાં આરપાર થયેલા 4 સળીયા કાઢી નવજીવન આપ્યું
આ પણ વાંચોઃ X ની મોટી કાર્યવાહી: કન્ટેન્ટ ચોરો પર ગ્રોક AI દ્વારા તવાઈ, મૂળ ક્રિએટર્સને મળશે રકમ
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












