Cyclone Shakti: ‘શક્તિ’ વાવાઝોડુ આવતીકાલે નબળું પડશેઃ 8 ઓક્ટોબરે 6 જિલ્લાને ધમરોળશે વરસાદ
અમદાવાદ, તા. 6 ઓક્ટોબર, 2025: અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત ‘શક્તિ’ની અસર ગુજરાતના વાતાવરણ પર દેખાવાની શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું 6 ઓક્ટોબરે ગુજરાત તરફ યુ-ટર્ન લેશે, પરંતુ ધીમું પડવાની સંભાવના છે, જેના કારણે ગુજરાત પર ખતરો નહિવત્ છે. દરમિયાન, વાવાઝોડાની અસરથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવતા મોડી રાતે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેના પગલે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આજે હિંમતનગર, પોશીના અને મહીસાગર જિલ્લાના ખાનપુર તેમજ કડાણામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
વાવાઝોડાની ગતિ અને ગુજરાત પર અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ‘શક્તિ’ વાવાઝોડું ઉત્તરપશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર પર કેન્દ્રિત છે. હાલમાં તે દ્વારકા અને નલિયાથી 770 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, વાવાઝોડું હાલ 3 કિલોમીટર પ્રતિ કલાકની ધીમી ઝડપે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલથી તે વધુ ધીમું પડશે.
આ વાવાઝોડું 7 ઓક્ટોબરની સવાર સુધીમાં નબળું પડીને ‘ડીપ ડિપ્રેશન’માં ફેરવાય તેવી શક્યતા છે. ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠે 7 ઓક્ટોબર સુધી 45થી 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી સંભાવના છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ‘શક્તિ’ વાવાઝોડું વધુ મજબૂત બને તેવી સંભાવના છે, પરંતુ ગુજરાતને કોઈ માઠી અસર થવાની શક્યતા ઓછી છે, કારણ કે તે નબળું પડી રહ્યું છે.
8 ઓક્ટોબરે રાજ્યના દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ એમ 6 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 7 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.












