ગ્લોબલ પોઝીટીવ અહેવાલો પાછળ સેન્સેક્સ 257 પોઇન્ટ અને નિફ્ટી 99 પોઇન્ટના વધારા સાથે ખુલી

મુંબઇ, 13 ઓગસ્ટ, 2025: વૈશ્વિક પોઝીટીવ અહેવાલો અને ઘરેલુ સકારાત્મક પરિબળોને પગલે આજે ભારતીય ઇક્વિટી માર્કેટમાં પ્રારંભથી જ મજબૂતાઇ જોવા મળી રહી છે. જેમાં સેન્સેક્સ પાછલા બંધ 80,235 સામે 257 પોઇન્ટના ઊછાળા સાથે 80,492 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 50 પણ પાછલા બંધ 24,487 સામે 99 પોઇન્ટ ઉપર 24,586.20 પોઇન્ટના મથાળે ખુલી છે.
દરમિયાનમા સવારે 8.58 કલાકે ગિફ્ટ નિફ્ટી મજબૂત જોવા મળી હતી. જે 153 પોઇન્ટ વધીને ક્વોટ થઇ હતી. નોંધનીય છે કે ગઇકાલે શેરબજારમાં આખા દિવસની વોલેટિલીટી બાદ સેન્સેક્સ 368 પોઇન્ટ અને નિફ્ટી 98 પોઇન્ટ ઘટી હતી.
એશિયન માર્કેટ
એશિયન માર્કેટ બુધવારે સકારાત્મક જોવા મલ્યા છે, જેમાં જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 1 ટકા અને ટોપીક્સ પ્રારંબિક ટ્રેડમાં 0.72 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.07 ટકા અને કોસડેક 0.88 ટકા વધ્યો હતો. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી /ASX 0.29 ટકા વધ્યો હતો.
અમેરિકન માર્કેટ
અમેરિકામાં ફૂગાવાના આંકડા ધારણા કરતા ઓછા આવતા આગામી મહિને ફેડરલ રિઝર્વ દ્વાર વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે તેવા આશાવાદ પાછળ અમેરિકન માર્કેટ રેકોર્ડ સ્તરે સ્પર્શી ગયા હતા. જેમાં એસએન્ડપી 500 1.13 ટકા, નાસડેક 1.39 ટકા અને ડાઉ જોન્સ 1.10 ટકા વધ્યો હતો.
નોંધનીય છે કે મંગળવાર, 12 ઓગસ્ટના રોજ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોએ ભારે વેચાણ કર્યું હતું. તેમણે એક જ દિવસમાં 3375.70 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. તે જ સમયે, ઓગસ્ટના કુલ 8 સત્રોમાં, FIIએ લગભગ 18,597.22 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.
મંગળવારના સત્રમાં, FIIએ 9,370.22 કરોડ રૂપિયાના શેર રોકડમાં ખરીદ્યા છે. તે જ સમયે 12,745.92 કરોડના શેર રોકડમાં વેચ્યા છે. એકંદરે તેમણે કુલ 3,375.70 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.
બીજી તરફ, DII એટલે કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ખરીદી કરી છે. DII એ 11,514.05 કરોડ રૂપિયાના શેર રોકડમાં ખરીદ્યા છે. તે જ સમયે, તેમણે 7,988.26 કરોડ રૂપિયાના શેર રોકડમાં વેચ્યા છે. આમ ચોખ્ખી લેવાલી કુલ રૂ. 3,525.79 કરોડની થાય છે.
આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર
- ભારતમાં ફુગાવામાં મોટી રાહત – જુલાઈમાં છૂટક ફુગાવાનો દર 2.10% થી ઘટીને 1.55% (MoM) થયો છે – જે 8 વર્ષમાં સૌથી નીચો સ્તર છે.
- ખાદ્ય ફુગાવો -1.06% થી ઘટીને -1.76%, શાકભાજી -20.69%, કઠોળ -13.76% થયો છે.
- ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ફુગાવો ઘટ્યો છે. મુખ્ય CPI પણ 4.4%થી ઘટીને 4.1% થયો છે.
આ કંપનીઓના પરિણામો આજે આવશે
જુબિલન્ટ ફૂડ, મુથૂટ ફાઇનાન્સ, બીપીસીએલ, સંવર્ધન મધરસન, યુનાઇટેડ સ્પિરિટ્સ અને વિશાલ મેગામાર્ટ
આ પણ વાંચોઃ Paytmને ઓનલાઇન એગ્રીગેટર બનવાની મંજૂરી અપાઇ












