જાતીય શોષણ કેસમાં સ્વામી ચૈતન્યાનંદને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયો, કોર્ટે બચાવ પક્ષની દલીલો ફગાવી

પાર્થ સારથી ઉર્ફે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી, જેના પર વિદ્યાર્થીનીઓનું જાતીય શોષણ અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. રવિવારે આગ્રામાં તેની ધરપકડ બાદ તેને શરૂઆતમાં તબીબી તપાસ માટે સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેના પર માત્ર આર્થિક રીતે પછાત વિદ્યાર્થીનીઓનું છેડતી કરવાનો જ નહીં, પરંતુ કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો પણ આરોપ છે.
કોર્ટની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તપાસ હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં છે. આરોપી ચૈતન્યાનંદ સરસ્વતી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તે સંસ્થાના કુલપતિ તરીકે સેવા આપતા હતા અને સંસ્થા પર સંપૂર્ણ નિયંત્રણ રાખતા હતા. અત્યાર સુધીમાં 16 વિદ્યાર્થીનીઓએ તેમના નિવેદનોમાં જાતીય સતામણીની પુષ્ટી કરી છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આરોપીને અલ્મોરા, ગુડગાંવ, ફરીદાબાદ અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં લઈ જવામાં આવશે, જેના માટે પોલીસ કસ્ટડીની જરૂર પડશે.
દિલ્હી પોલીસે સ્વામી ચૈતન્યાનંદની આશરે 8 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ રકમ 8 બેન્ક ખાતા અને 28 ફિક્સ્ડ ડિપોઝિટમાં જમા કરવામાં આવી હતી, જે પોલીસે ફ્રીઝ કરી દીધી છે. આ બધા પૈસા તેમણે બનાવેલા ટ્રસ્ટમાં જમા કરવામાં આવ્યા હતા, જ્યાં મોટા પ્રમાણમાં દાન પ્રાપ્ત થયું હતું. આરોપી બાબાએ જુદા જુદા નામો અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને અનેક બેંક ખાતા ખોલ્યા હતા અને વ્યવહારો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. કેસ દાખલ થયા પછી તેણે 50 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
તેનો હેતુ સંસ્થાની સંપત્તિ જપ્ત કરવાનો અને તેનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાનો હતો. પીડિત વિદ્યાર્થીનીઓએ ખુલાસો કર્યો કે સ્વામી ચૈતન્યાનંદ તેમના પર માનસિક દબાણ લાવતા હતા. તેમણે તેમના બાહ્ય સંપર્કો કાપી નાખવા અને પોતાનું નિયંત્રણ જાળવી રાખવા માટે તેમના મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. બદલામાં તે તેમની પસંદગીનો નવો ફોન પૂરો પાડતો હતો, જેનાથી તે સમગ્ર નેટવર્કને નિયંત્રિત કરી શકતો હતો. વિદ્યાર્થીનીઓના મૂળ પ્રમાણપત્રો અને દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જે કોર્ષ પૂર્ણ થયા પછી પરત કરવામાં આવ્યા હતા. આનાથી ભયનું વાતાવરણ સર્જાયું હતું.












