ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

લોકસભાના પ્રોટમ સ્પીકર તરીકે BJP સાંસદ ભર્તૃહરિ મહતાબની પસંદગી

નવી દિલ્હી, 20 જૂન : બીજેપી સાંસદ ભર્તૃહરિ મહતાબ 18મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર હશે. નવા ચૂંટાયેલા સાંસદોને માત્ર ભર્તૃહરિ મહતાબ જ શપથ લેવડાવશે. મહતાબ ઓડિશાના કટકથી 57077 વોટથી ચૂંટણી જીત્યા હતા. તેમણે બીજેડીના સંતરૂપ મિશ્રાને હરાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 95(1) હેઠળ કટકના ભાજપના સભ્ય ભર્તૃહરિ મહતાબને અસ્થાયી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજો નિભાવશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ભર્તૃહરિ મહતાબ બીજેડી છોડીને ભાજપમાં જોડાયા હતા.

મહતાબ 7 વખતથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, 7 વખત સાંસદ રહી ચૂકેલા ભર્તૃહરિ મહતાબને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 18મી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યો પ્રોટેમ સ્પીકર સમક્ષ શપથ લેશે. તેમને અધ્યક્ષોની પેનલ દ્વારા મદદ કરવામાં આવશે. આ પેનલમાં કોંગ્રેસના નેતા કે સુરેશ, ડીએમકે નેતા ટીઆર બાલુ, ભાજપના સાંસદો રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે અને ટીએમસી નેતા સુદીપ બંદોપાધ્યાય સામેલ હશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. નવા ચૂંટાયેલા સભ્યો 24-25 જૂને શપથ લેશે. જ્યારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાવાની છે.

કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક સામે વિરોધ દર્શાવતા કહ્યું કે પરંપરા મુજબ, સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા સાંસદને પ્રથમ 2 દિવસ માટે પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવે છે, જ્યારે તમામ નવા ચૂંટાયેલા સાંસદો શપથ લે છે. તેમણે કહ્યું કે 18મી લોકસભામાં સૌથી વરિષ્ઠ સાંસદો કોડીકુન્નીલ સુરેશ (કોંગ્રેસ) અને વીરેન્દ્ર કુમાર (ભાજપ) છે, જેઓ હવે તેમનો 8મો કાર્યકાળ પૂરો કરી રહ્યાં છે. બાદમાં હવે કેન્દ્રીય મંત્રી છે અને તેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે કોડીકુંનીલ સુરેશ પ્રોટેમ સ્પીકર હશે. તેના બદલે 7 વખત સાંસદ રહી ચુકેલા ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. તેઓ 6 વખત બીજેડીના સાંસદ હતા અને હવે ભાજપના સાંસદ છે.

પ્રોટેમ સ્પીકર શું છે?

પ્રોટેમ સ્પીકરને લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસર પણ કહી શકાય. પ્રોટેમ સ્પીકરે રોજિંદી કાર્યવાહી કરવાની હોય છે. ભત્રીહરિ મહતાબ નવા પ્રમુખની ચૂંટણી સુધી તમામ જવાબદારીઓ નિભાવશે. નવા સભ્યોને શપથ પણ લેવડાવશે. જો કે, પ્રોટેમ એક અસ્થાયી પદ છે. ગૃહના નવા અધ્યક્ષની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ કામ કરશે. ઉલ્લેખનીય છે કે સ્પીકર બહુમતીથી ચૂંટાય છે.

કોણ છે 7 વખતના સાંસદ ભરતરિહરિ મહતાબ?

ભર્તૃહરિ મહતાબનો જન્મ 8 સપ્ટેમ્બર 1957ના રોજ થયો હતો. તેઓ ડો.હરેકૃષ્ણ મહતાબના પુત્ર છે. તેમણે બીજેડીમાંથી રાજીનામું આપ્યું અને 28 માર્ચ 2024ના રોજ ભાજપમાં જોડાયા. મહતાબ 1998માં ઓડિશાની કટક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. આ પછી, તેમણે 1999, 2004, 2009, 2014 અને 2019 અને 2024 માં કટક બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતી. તેમને 2017માં ઉત્કૃષ્ટ સંસદસભ્ય એવોર્ડ મળ્યો હતો. આ સાથે ‘ડિબેટ’માં તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે તેમને સંસદ રત્ન એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.

Back to top button