‘3 અઠવાડિયામાં જવાબ દાખલ કરો નહીંતર…’ પોલીસ સ્ટેશનમાં CCTVને લઈને સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારોને ચેતવણી
નવી દિલ્હી: 26 નવેમ્બર, 2025: પોલીસ સ્ટેશનોમાં ખરાબ પડેલા CCTV કેમેરાના મામલે સુપ્રીમ કોર્ટે એકવાર તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે 14 ઓક્ટોબરે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો, પરંતુ અત્યાર સુધી જવાબ દાખલ કરવામાં આવ્યો નથી. આથી, કોર્ટે જવાબ આપવા માટે વધુ ૩ અઠવાડિયાનો સમય આપ્યો છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે મામલાની સુનાવણી કરતા કહ્યું કે, જો પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા કામ ન કરવા પર ૩ અઠવાડિયામાં જવાબ નહીં આપવામાં આવે, તો આગામી સુનાવણીમાં રાજ્યોના મુખ્ય સચિવોને કોર્ટમાં હાજર થવું પડશે.
SC એ આપ્યો ૩ અઠવાડિયાનો સમય
સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ દવેના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી માત્ર 11 રાજ્યોએ જ સુપ્રીમ કોર્ટના સવાલોનો જવાબ આપ્યો છે. કેન્દ્ર સરકારે પણ NIA જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ સંબંધિત પોતાનો જવાબ દાખલ કર્યો નથી. એટર્ની જનરલ તુષાર મહેતાએ કોર્ટ પાસે ૩ અઠવાડિયાનો સમય માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ
16 ડિસેમ્બરે મામલો ફરીથી લિસ્ટિંગ થશે. જો ત્યાં સુધીમાં કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ પોતાનું સોગંદનામું દાખલ નહીં કરે, તો સંબંધિત રાજ્ય એજન્સીઓના મુખ્ય સચિવોને પોતાની અરજી સાથે કોર્ટમાં હાજર થવું પડશે.
શું છે સમગ્ર મામલો?
4 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કસ્ટોડિયલ ડેથ (પોલીસ કસ્ટડીમાં મૃત્યુ) પર સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લઈને કાર્યવાહી શરૂ કરી હતી. છેલ્લા 7-8 મહિનામાં પોલીસ કસ્ટડીમાં 11 લોકોના મોત થયા છે. ડિસેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે તમામ પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા લગાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટના આ આદેશનું સંપૂર્ણપણે પાલન થયું નથી.
આ પણ વાંચોઃ શું તમારા જુના નાણા બેન્કમાંથી નથી નિકળી રહ્યા તો પાછા મેળવવા આ શહેરમાં યોજાશે શિબિર!
આ પણ વાંચોઃ શું 2 ડિસેમ્બરથી રિચાર્જ વધુ મોંઘા થશે? Vi એ આ 84-દિવસના પ્લાનની કિંમત પહેલાથી જ વધારી દીધી!












