ગુજરાતનું મહેમાન બન્યું ‘સબાઇન ગુલ’, 12 વર્ષ બાદ ભારતમાં જોવા મળ્યું આ દુર્લભ પક્ષી

અમદાવાદ, 31 મે, 2025: ગુજરાતના નળ સરોવરમાં વિશ્વનું દુર્લભ એવું આર્કટિક પક્ષી ‘સાબાઇનનો ગુલ’ જોવા મળ્યું છે. શુક્રવારે (30 મે) વહેલી સવારે 9 વાગ્યે નળ સરોવર વન્યજીવ અભયારણ્ય-રામસર સાઇટ ખાતે વન વિભાગના કર્મચારીઓને દુર્લભ પક્ષી ‘સબાઇનનો ગુલ’ જોવા મળ્યું હતું, જે પક્ષીપ્રેમીઓ અને પક્ષીવૈજ્ઞાનિકો માટે એક રોમાંચક, ગૌરવમય અને આનંદદાયક ક્ષણ હતી. આ પક્ષી આર્દ્રભૂમિ (વેટલેન્ડ)માં ખુલ્લા પાણીમાં જોવા મળ્યું કે જેને અભયારણ્યના કર્મચારીઓ તેમજ મુલાકાતી પક્ષીપ્રેમીઓએ આનંદપૂર્વક નિહાળ્યું હતું. વિશ્વભરમાંથી પક્ષીઓ ગુજરાતના મહેમાન બની રહ્યા છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન ક્ષણ છે.
12 વર્ષ બાદ ભારતમાં જોવા મળ્યું આર્કટિક ‘સબાઇન ગુલ‘
નળ સરોવર પક્ષી અભ્યારણ્ય ડિવિઝનના નાયબ વન સંરક્ષક ડૉ.સક્કિરા બેગમે જણાવ્યું કે, આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત હતું, કારણ કે ‘સબાઇનનો ગુલ’નું ભારતીય ઉપમહાદ્વીપ પર ભ્રમણ કરવું એ ખૂબ દુર્લભ છે. જાહેર પક્ષી અવલોકન ડેટાબેસ ઈ-બર્ડ અનુસાર, આવો નજારો જ્વલ્લે જ જોવા મળે છે. આ અદ્ભૂત નજારો ભારતમાં છેલ્લે વર્ષ 2013માં કેરળમાં જોવા મળ્યો હતો. નળ સરોવર ખાતે જોવા મળેલા આ દુર્લભ પક્ષીની તસવીર ગાઈડ ગનિ સમાએ પોતાના કેમેરામાં ક્લિક કરી હતી. પ્રવાસન અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ X પર ફોટો શેર કરીને માહિતી આપી છે.
‘સબાઇનનો ગુલ’ મુખ્યત્વે ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાયબેરિયાના ઊંચા અક્ષાંશવાળા આર્કટિક વિસ્તારોમાં પ્રજનન કરે છે કે જ્યાં તે ટુંડ્રાની ભીની જમીન (આર્દ્રભૂમિ) નજીક માળો બનાવી વસવાટ કરે છે. તે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અપવેલિંગ વિસ્તારોમાં શિયાળો પસાર કરવા માટે લાંબા અંતરનો પ્રવાસ કરે છે કે જે દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકાના પશ્ચિમી કિનારાઓથી દૂર ઉત્પાદક સમુદ્રી વિસ્તાર છે. અન્ય પક્ષીઓની જેમ ‘સબાઇનનો ગુલ’નો સ્થળાંતર માર્ગ ભારતમાંથી પસાર થતો નથી. તેથી, ભારતમાં તેનું દેખાવું દુર્લભ અને અણધાર્યું ગણાય છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ પક્ષી તેનો માર્ગ ભટકી જતાં અહીં પહોંચ્યું હોય, પરંતુ આ પ્રકારનું અવલોકન અને નોંધણીઓ પક્ષીઓના અભ્યાસકર્તાઓ માટે ખૂબ જ રસપ્રદ ઘટના છે.
આ અવલોકન વન વિભાગના સ્ટાફ અને પક્ષીપ્રેમીઓ દ્વારા સતત નિરીક્ષણ અને દસ્તાવેજીકરણની મહત્તતાને જાગૃત કરે છે. આવી દુર્લભ ઘટનાઓ સંશોધકોને પક્ષીઓના સ્થળાંતર, પક્ષીઓની ફરવા જવાની ગતિવિધિઓ અને આબોહવા તથા પર્યાવરણીય પરિવર્તનના વ્યાપક પરિણામો વિશે વધુ સમજવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ ‘શું દેશથી કંઈ સંતાડવામાં આવ્યું છે?’ CDSના નિવેદન પર કોંગ્રેસે મોદી સરકાર પર કર્યા પ્રહાર
આ પણ વાંચોઃ RERA કાયદાનો ભંગ કરનાર અનેક બિલ્ડરો ઉપર તવાઈ, જાણો કેમ












