અમરનાથ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશન શરૂ: 556 બેંક શાખાઓમાં મળશે સુવિધા

Registration for Amarnath Yatra 2026 begins: હિંદુ ધર્મના પવિત્ર તીર્થોમાંની એક શ્રી અમરનાથ ગુફા માટેની વાર્ષિક યાત્રા માટે આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, નોંધણી ‘પહેલા આવો, પહેલા પાવો’ના ધોરણે કરવામાં આવશે.
યાત્રા માટે બાલટાલ અને પહલગામ – આ બે માર્ગો નિર્ધારિત કરવામાં આવ્યા છે અને બંને માટે દૈનિક યાત્રિકોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવશે. 13 થી 70 વર્ષની વયના શ્રદ્ધાળુઓ યાત્રા માટે પાત્ર ગણાશે, જ્યારે 6 અઠવાડિયા કરતાં વધુ ગર્ભવતી મહિલાઓને યાત્રાની મંજૂરી આપવામાં નહીં આવે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રજિસ્ટ્રેશન પ્રોસેસ આધારિત બાયોમેટ્રિક ચકાસણી દ્વારા કરવામાં આવશે અને યાત્રા પરમિટ ઑનલાઇન જારી થશે. યાત્રિકોને સત્તાવાર આરોગ્ય કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ માન્ય હેલ્થ સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત રહેશે. પરમિટમાં યાત્રાનો માર્ગ અને તારીખની સ્પષ્ટ માહિતી આપવામાં આવશે.
જમ્મુ શહેરમાં કુલ 8 સ્થળોએ નોંધણી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં બેંકો દ્વારા હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશભરના કુલ 556 બેંક શાખાઓમાં રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે.
જમ્મુ-કાશ્મીરના વિવિધ જિલ્લાઓ જેમ કે કઠુઆ, કિશ્તવાડ, પુન્ચ, રામબન, રાજોરી, રિયાસી, સાંબા, શ્રીનગર, ઉધમપુર, ડોડા, અનંતનાગ અને પુલવામામાં પણ નોંધણી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓને સરળતા રહે.
યાત્રા માટે જનાર શ્રદ્ધાળુઓને તમામ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવી છે. દર વર્ષે લાખો ભક્તો આ યાત્રામાં ભાગ લે છે અને તેને અત્યંત આધ્યાત્મિક મહત્વ આપવામાં આવે છે.
આ પણ વાંચો : ઘરેલુ શેરબજારમાં જોરદાર ઉછાળો: સેન્સેક્સ 1350 અંક વધ્યો, નિફ્ટી 24200 પાર












