Re-NEET માટે 1500 કિ.મી દૂર મળ્યું પરીક્ષા કેન્દ્ર, અરજી બાદ થયું શિફ્ટ

Re-NEET Exam Center Issue: દેશભરમાં આવતીકાલે (21 જૂને) નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા રી-નીટ (Re-NEET) પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા માટે NTA એ તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને વિદ્યાર્થીઓની તૈયારીઓ પણ હવે અંતિમ તબક્કામાં છે. જો કે, આ બધા વચ્ચે એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરવાની પ્રક્રિયા કેટલાક વિદ્યાર્થીઓ માટે ભારે માનસિક તણાવ અને કોઈ ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ રહી છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો ઓડિશાની એક વિદ્યાર્થિની સંજના સંજીબાની સાથે સામે આવ્યો હતો, જેને સ્થાનિક સેન્ટરના બદલે છેક 1500 કિલોમીટર દૂર ઉત્તરાખંડનું દેહરાદૂન સેન્ટર ફાળવી દેવાયું હતું. જો કે, વ્યાપક ફરિયાદ અને સોશિયલ મીડિયા પર હોબાળા બાદ NTA એ આ ભૂલ સુધારીને તેનું પરીક્ષા કેન્દ્ર ભુવનેશ્વર બદલી આપ્યું છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, NEET ની તૈયારી કરી રહેલી ઓડિશાની વિદ્યાર્થિની સંજના સંજીબાનીને મુખ્ય પરીક્ષા (Main Exam) દરમિયાન ઓડિશાના ભુવનેશ્વરમાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. પરંતુ, જ્યારે રી-એક્ઝામ (Re-NEET) માટે નવું એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યું, ત્યારે તે એડમિટ કાર્ડ જોઈને વિદ્યાર્થિની અને તેનો પરિવાર ચોંકી ગયા હતા. નવા એડમિટ કાર્ડમાં તેનું પરીક્ષા કેન્દ્ર સીધું ઉત્તરાખંડના દેહરાદૂનમાં એલોટ કરવામાં આવ્યું હતું. પરીક્ષાના બરાબર એક દિવસ પહેલા આટલી લાંબી મુસાફરી કરવી વિદ્યાર્થી માટે મુશ્કેલ અને અત્યંત તણાવપૂર્ણ સાબિત થઈ શકે તેમ હતી.

પૂર્વ સૈનિક પિતાએ ઈમેલ કરી ન્યાય માંગ્યો
સંજનાના પિતા સંજય બિસ્વાલ, જેઓ એક પૂર્વ સૈનિક (Ex-Serviceman) છે, તેમણે આ ગંભીર મામલે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સમક્ષ હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. તેમના પિતાએ આજીજી કરી કે, પરીક્ષા માટે અચાનક 1,500 કિલોમીટરની લાંબી મુસાફરી કરવાથી દીકરી પર ભારે શારીરિક અને માનસિક બોજ પડત, જેના કારણે તેની આટલા સમયની મહેનત અને પરીક્ષાના પ્રદર્શન પર ખૂબ જ ખરાબ અસર પડી શકી હોત.
પરિવારે તાત્કાલિક ધોરણે NTA ના સત્તાવાર મેઈલ આઈડી પર આ મુશ્કેલી અંગે વિગતવાર ઈમેલ મોકલીને પરીક્ષા કેન્દ્ર બદલવા વિનંતી કરી હતી. મામલાની ગંભીરતાને સમજીને NTA એ આ ફરિયાદની તાકીદે સમીક્ષા કરી અને તેના પર તાત્કાલિક એક્શન લીધા હતા.
છેલ્લી ઘડીએ પરીક્ષા કેન્દ્રમાં થયો બદલાવ
સંજના અને તેના પરિવાર માટે સૌથી મોટી રાહતની વાત એ રહી કે પરીક્ષાની તારીખના બરાબર એક દિવસ પહેલા તેનું પરીક્ષા કેન્દ્ર બદલી દેવામાં આવ્યું છે. NTA એ તેની ભૂલ સુધારીને હવે સંજનાને ફરીથી ભુવનેશ્વરમાં જ સેન્ટર ફાળવી દીધું છે, જેથી તે હવે કોઈ પણ લાંબી મુસાફરીના વધારાના તણાવ વગર શાંતિથી પોતાની પરીક્ષા આપી શકશે.
અન્ય વિદ્યાર્થીઓની પણ વ્યાપક ફરિયાદો: નાગપુરના યુઝરને અબુ ધાબી સેન્ટર!
માત્ર સંજના જ નહીં, પરંતુ દેશના ઘણા અન્ય ભાગોમાંથી પણ ઉમેદવારોએ સોશિયલ મીડિયા પર એડમિટ કાર્ડને લઈને આવી ગંભીર ફરિયાદો નોંધાવી છે. સોશિયલ મીડિયા પર કેટલાક કેન્ડિડેટ્સે દાવો કર્યો હતો કે તેમણે પહેલા જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા હતા, તે બાદમાં અચાનક બદલાઈ ગયા અને તેમને ફરીથી ડાઉનલોડ કરવા માટે નોટિફિકેશન મળ્યા. આ ન્યૂ અપડેટમાં ઘણા વિદ્યાર્થીઓના રોલ નંબર અને એક્ઝામ સેન્ટર બદલાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
આવો જ એક અત્યંત વિચિત્ર અને આઘાતજનક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવ્યો છે, જ્યાં એક ભારતીય વિદ્યાર્થીને રી-નીટ પરીક્ષા આપવા માટે છેક ભારતની બહાર ‘અબુ ધાબી’ (Abu Dhabi) નું પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવામાં આવ્યું હતું! NTA ની આ પ્રકારની વારંવાર થતી ટેકનિકલ ખામીઓ અને ડિજિટલ છબરડાઓને કારણે પરીક્ષા આપતા લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ છેલ્લી ઘડી સુધી ભારે ચિંતા અને અસમંજસમાં મૂકાયા છે.
આ પણ વાંચોઃ Horoscope 20th June: આ રાશિના લોકો ખર્ચ અને આવક વચ્ચે સંતુલન રાખે, જુઓ આજનું રાશિ ભવિષ્ય
આ પણ વાંચોઃ RE-NEETને લઈને અમદાવાદ પોલીસનો અભેદ્ય બંદોબસ્ત, ડ્રોન દ્વારા રખાશે નજર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












