બોલિવૂડમાં રણવીર સિંહ પર પ્રતિબંધ, જાણો શું છે આખો વિવાદ

Ranveer Singh banned by FWICE: બોલિવૂડના પાવરહાઉસ ગણાતા અને તાજેતરમાં જ બોક્સ ઓફિસ પર 3000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ આપનારી મેગા બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) ના સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) અને પ્રખ્યાત ડાયરેક્ટર ફરહાન અખ્તર (Farhan Akhtar) વચ્ચે ‘ડૉન 3’ (Don 3) ને લઈને શરૂ થયેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આ વિવાદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સંગઠન FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ) ની એન્ટ્રી થઈ છે. FWICE એ રણવીર સિંહ વિરુદ્ધ સત્તાવાર રીતે ‘નૉન-કોઓપરેશન ડાયરેક્ટિવ’ (અસહયોગનો આદેશ) જાહેર કરી દીધો છે. આ આદેશ મુજબ, આ સંગઠન સાથે જોડાયેલા હજારો ફિલ્મ કલાકારો, ટેકનિશિયનો અને વર્કર્સ રણવીર સિંહના કોઈ પણ નવા પ્રોજેક્ટ, ફિલ્મ કે એડ શૂટ પર કામ કરશે નહીં. 3000 કરોડની ક્લબમાં સામેલ અભિનેતા પર આ પ્રકારનો પ્રતિબંધ લાગવો એ આખી ઇન્ડસ્ટ્રી માટે અત્યંત ચોંકાવનારી ઘટના છે.
જ્યારે ફરહાન અખ્તરે ‘ડૉન 3’ માં લીડ રોલ માટે રણવીર સિંહના નામની જાહેરાત કરી હતી, ત્યારે ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને હતો. પરંતુ આજે આ પ્રોજેક્ટ એવા વળાંક પર આવીને ઊભો રહ્યો છે જ્યાં સુપરસ્ટાર પર બેન મૂકવાની વાત થઈ રહી છે. ચાલો સમજીએ કે આખરે એક શાનદાર કોલેબોરેશન આટલા મોટા વિવાદમાં કેવી રીતે ફેરવાઈ ગયું.
રણવીર, ફરહાન અને ‘ડૉન’ ની આખી કહાની
ફરહાન અખ્તરે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની ‘ડૉન’ ની વિરાસતને શાહરૂખ ખાન સાથે આગળ વધારીને બે શાનદાર ફિલ્મો બનાવી હતી – ‘ડૉન’ (2006) અને ‘ડૉન 2’ (2011). એક દાયકા કરતા પણ વધુ સમય સુધી ફરહાનને દરેક ઇન્ટરવ્યુમાં એક જ સવાલ પૂછાતો હતો કે ‘ડૉન 3 ક્યારે આવશે?’.
આખરે વર્ષ 2023 માં ફરહાન અખ્તરે એક સ્ટાઇલિશ પ્રોમો વિડીયો રિલીઝ કરીને રણવીર સિંહને નવા ડૉન તરીકે રજૂ કર્યો અને કેપ્શન આપ્યું – ‘એક નવા યુગની શરૂઆત 2025 માં!’. આ જાહેરાત પાછળનો બેકગ્રાઉન્ડ ઇતિહાસ રસપ્રદ છે. લોકડાઉન પછી વર્ષ 2021-22 માં રણવીરની સતત ત્રણ ફિલ્મો – ’83’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’ બોક્સ ઓફિસ પર ધબડકો થઈ ગઈ હતી. ત્યારબાદ વર્ષ 2023 માં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ થી તેણે જોરદાર કમબેક કર્યું અને તેના બરાબર એક મહિના પછી ‘ડૉન 3’ અનાઉન્સ થઈ હતી.
શાહરૂખ ખાનને રિપ્લેસ કરવા પર ભારે ટ્રોલિંગ અને સન્નાટો
રણવીર સિંહનું નામ જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર ફેન્સે ફરહાન અને રણવીર બંનેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું, કારણ કે આ આઇકોનિક ફ્રેન્ચાઇઝીમાંથી શાહરૂખ ખાનને રિપ્લેસ કરવામાં આવી રહ્યા હતા. માર્ચ 2024 માં રણવીરે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ માં આ ટ્રોલિંગનો જવાબ આપતા ઓડિયન્સ પાસે ‘માત્ર એક મોકો’ માંગ્યો હતો અને કહ્યું હતું કે, “મેં 12-13 વર્ષોમાં ઘણું સારું કામ કર્યું છે, તેથી એક તક તો મને મળવી જ જોઈએ.” ફરહાન અખ્તરે પણ એક ઇન્ટરવ્યુમાં રણવીરના પર્ફોર્મન્સ પર પૂરો ભરોસો જતાવ્યો હતો.
પરંતુ આ બઝ પછી ‘ડૉન 3’ ના પ્રોજેક્ટ પર અચાનક સન્નાટો છવાઈ ગયો. ફિલ્મની સ્ટારકાસ્ટ કે શૂટિંગ શેડ્યૂલ અંગે કોઈ જ સત્તાવાર માહિતી બહાર ન આવી. અંદરની વાતો એવી પણ વહેતી થઈ કે રણવીરના ખરાબ બોક્સ ઓફિસ ટ્રેક રેકોર્ડને કારણે ફરહાન હજી આગળ વધવા માંગતા નથી.
‘ધુરંધર’ ની બ્લોકબસ્ટર સક્સેસ અને શૂટિંગના 3 અઠવાડિયા પહેલા મોટો બ્લાસ્ટ
આ દરમિયાન જુલાઈ 2024 માં રણવીર સિંહની મેગા બજેટ ફિલ્મ ‘ધુરંધર’ ની જાહેરાત થઈ. ડિસેમ્બર 2025 માં રીલીઝ થયેલી ‘ધુરંધર’ એ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર 3000 કરોડથી વધુની કમાણી કરીને ઇતિહાસ રચી દીધો. આ ઐતિહાસિક સફળતા પછી ફેન્સને આશા હતી કે હવે ‘ડૉન 3’ નું કામ ઝડપથી શરૂ થશે, પરંતુ અચાનક સમાચાર આવ્યા કે રણવીર સિંહે આ ફિલ્મ છોડી દીધી છે. અહેવાલો અનુસાર, રણવીર ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ ન થવાને કારણે અને પ્રોડક્શનમાં સતત થઈ રહેલા વિલંબથી નારાજ હતો, જ્યારે સત્તાવાર રીતે બંને પક્ષોએ ‘ક્રિએટિવ ડિફરન્સિસ’ (વૈચારિક મતભેદો) ને કારણ ગણાવ્યું હતું.
રૂપિયા 45 કરોડનું નુકસાન અને અમીર ખાનના ઘરે પંચાત
વિવાદ ત્યારે વકર્યો જ્યારે ફરહાન અખ્તરની કંપની ‘એક્સેલ એન્ટરટેઇનમેન્ટ’ એ ખુલાસો કર્યો કે રણવીરે શૂટિંગ શરૂ થવાના માત્ર 3 અઠવાડિયા (21 દિવસ) પહેલા જ છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દીધી છે, જ્યારે વિદેશોમાં લોકેશન રેકી, હોટેલ બુકિંગ અને 200 થી વધુ ક્રૂ મેમ્બર્સની તૈયારીઓ થઈ ચૂકી હતી. મેકર્સના જણાવ્યા મુજબ, પ્રી-प्रोडક્શન પર અત્યાર સુધીમાં અંદાજે 45 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થઈ ચૂક્યો હતો.
મેકર્સે રણવીર પાસે નુકસાનીના વળતર પેટે 40 થી 45 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. રણવીર વકીલાતની દ્રષ્ટિએ કોઈ નાણાકીય જવાબદારી ન હોવા છતાં ‘ગુડવિલ જેસ્ચર’ તરીકે એક નાની રકમ આપવા તૈયાર થયો હતો, જે એક્સેલ એન્ટરટેઇનમેન્ટને મંજૂર નહોતી. ફેબ્રુઆરી 2026 માં આ મામલો ‘પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા’ પાસે પહોંચ્યો. આમિર ખાનના ઘરે કરણ જોહર, સાજિદ નાડિયાડવાલા, એકતા કપૂર અને ઝોયા અખ્તર જેવા મોટા પ્રોડ્યુસર્સે બંને વચ્ચે સુલેહ કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો.
FWICE નો એક્શન મોડ અને રણવીરની ટીમનો સત્તાવાર જવાબ
અંતે ફરહાન અખ્તરે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવતા FWICE ના ચીફ એડવાઈઝર અશોક પંડિતે પ્રેસ કોન્ફરન્સ કરીને રણવીર સિંહ વિરુદ્ધ અસહયોગનો આદેશ (Non-Cooperation Directive) જારી કર્યો. અશોક પંડિતે જણાવ્યું કે, “કોઈ પણ સુપરસ્ટાર સિસ્ટમ કે નિયમોથી મોટો નથી. રણવીરને ત્રણ વાર નોટિસ મોકલવામાં આવી હોવા છતાં તે હાજર ન થયો, તેથી જ્યાં સુધી તે રૂબરૂ બેસીને વાત નહીં કરે ત્યાં સુધી આ બેન યથાવત રહેશે.”
બીજી તરફ, આ સમગ્ર વિવાદ પર રણવીર સિંહના સત્તાવાર પ્રવક્તાએ નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, “રણવીર સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ‘ડૉન’ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા તમામ લોકોનો અત્યંત આદર કરે છે. આ વિવાદ દરમિયાન તેમણે જાણીજોઈને મૌન જાળવી રાખ્યું છે, કારણ કે તેમનું માનવું છે કે વ્યાવસાયિક વાતો અને વ્યક્તિગત સંબંધોને હંમેશાં ગરિમા, પરિપક્વતા અને પરસ્પર સન્માન સાથે જ હેન્ડલ કરવા જોઈએ.”
હાલ પૂરતું તો, બોલિવૂડની સૌથી મોટી કહી શકાય તેવી ફિલ્મ ‘ડૉન 3’ સંપૂર્ણપણે અધ્ધરતાલ લટકી ગઈ છે અને ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા વિવાદનું કેન્દ્ર બની ચૂકી છે.
આ પણ વાંચોઃ લોખંડના ટેબલથી હુમલો કરી પૌત્રએ દાદાનો જીવ લીધો, પોસ્ટમોર્ટમથી ખુલ્યો હત્યાનો ભેદ
આ પણ વાંચોઃ US News : અમેરિકામાં મોટા વહીવટી ફેરફાર, એક મહિનામાં ટોચના 4 અધિકારીઓ હટાવાયા
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












