રાજકોટઃ વાહન અથડાવાની બબાલમાં બે સગા ભાઈઓની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર

રાજકોટ, તા. 20 ઓક્ટોબર, 2025: દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટના આંબેડકરનગર વિસ્તારમાં એક નાની બાબતને લઈને ત્રણ લોકોની હત્યા થતાં આખા શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.કાળી ચૌદશની મોડી રાત્રે વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં બે સગા ભાઈઓ – સુરેશ વશરામ પરમાર (ઉંમર 45) અને વિજય વશરામ પરમાર (ઉંમર 40) – ની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
આ હુમલો કરનાર જૂથના અરુણ બારોટ નામના શખ્સની પણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. એકસાથે ત્રણ હત્યા થવાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો રાત્રે ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો.
મૃતક બંને ભાઈઓના પિતાએ જણાવ્યું કે તેમના બંને દીકરાઓ મજૂરી કરીને રાત્રે ઘરે પાછા ફરતા હતા ત્યારે રાત્રે 10:30 થી 11:00 વાગ્યાની આસપાસ તેમનું વાહન અથડાયું હતું. તેમને સામે જોઈને વાહન ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી, જે પછી સામેવાળા લોકોએ તેમના બંને દીકરાઓ અને પુત્રવધૂ પર છરી વડે હુમલો કર્યો, જેમાં બંને દીકરાઓ મૃત્યુ પામ્યા હતા.
તેમણે વિસ્તારમાં દારૂનું દૂષણ હોવાની વાત જણાવી અને લુખ્ખા તત્ત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી હતી. પોલીસે આ જૂથ અથડામણ મામલે બંને પક્ષો સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવાની અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.












