વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, ધરમપુરમાં શંકર ધોધના નયન રમ્ય દ્રશ્યો સર્જાયા

વલસાડ 22 જૂન 2025: ચોમાસાની શરૂઆત સાથે જ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ અને જંગલ વિસ્તારોમાં તાજગીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં થયેલા સતત વરસાદને કારણે નદી-નાળાઓમાં પૂર આવી રહ્યું છે આ વિસ્તારના અનેક નાના-મોટા ધોધ અને ઝરણાઓ જીવંત થઇ ઉઠ્યા છે.
ધરમપુર તાલુકાના વાઘવડ ગામ પાસે આવેલો પ્રસિદ્ધ શંકર ધોધ પણ હવે વહેવા લાગ્યો છે. ચોમાસાની શરૂઆતથી જ શંકર ધોધના વહેવા શરૂ થતા આસપાસના પહાડી વિસ્તારોમાં હરિયાળી ખીલવા લાગી છે. આ ધોધનો દ્રશ્ય અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ દ્રશ્યોની મજા લેવા સ્થાનિક લોકો તેમજ અન્ય વિસ્તારમાંથી પર્યટકો પણ અહીં પહોંચવા લાગ્યા છે.
દર વર્ષે ચોમાસાના દિવસોમાં ધરમપુર અને કપરાડા તાલુકાના અનેક એવા જંગલ વિસ્તારોમાં આવેલી નાની મોટી વાડીમાં ધોધ અને ઝરણાઓ સક્રિય થવાથી આ વિસ્તારો પર્યટકો માટે લોકપ્રિય બની જાય છે. આવી સ્થળો ફોટોગ્રાફી અને કુદરતપ્રેમીઓ માટે એક સ્વર્ગ સમાન સાબિત થાય છે.
આ પણ વાંચો: ભવ્ય જીત બાદ ગોપાલ ઈટાલિયાએ, પત્રકાર પરિષદમાં કરી આ મોટી વાત












