ગુજરાતમાં વરસાદે વિરામ લીધો, 5 દિવસ ઉનાળા જેવો થશે અનુભવ

અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2025: ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં માત્ર છ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. કચ્છના નખત્રાણામાં સૌથી વધુ 1.18 ઇંચ, અબડાસામાં 0.75 ઇંચ, લખપતમાં 0.39 ઇંચ, રાધનપુરમાં 0.12 ઇંચ, ખંભાતમાં 0.08 ઇંચ, ઉમરેઠમાં 0.04 ઇંચ વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર ફંટાઈ જવા સાથે જ વરસાદનો રાઉન્ડ પણ પૂર્ણ થયો હતો.
જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આકાશ ખુલ્લુ થઈ જશે. તડકો નીકળશે અને તાપમાન પણ ધીમે-ધીમે ઊંચુ જશે. આમ પણ ભાદરવા મહિનામાં આકરો તાપ પડતાં ઉનાળા જેવો માહોલ જોવા મળતો હોય છે. આથી 10 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થવાનો છે. જે અંતર્ગત તાપમાન ઊંચુ જઈ શકે છે.

ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 34 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળી શકે છે. હવે પવનની ગતિ પણ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. ભેજવાળા પવનો આવવાના કારણે હ્યુમિડિટી પણ વધી રહી છે. જેના પરિણામે ગરમી અને અસહ્ય ઉકળાટ અને બફારા જેવો માહોલ અલગ-અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે. આગામી 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી. આથી આગામી 5 દિવસ દરમિયાન આપણને ઉનાળા જેવો અહેસાસ થઈ શકે છે.
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરના કારણે 104 ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે 137 ડેમ હાઈ એલર્ટ પર છે. 65 ડેમ 70 થી 100 ટકા, 17 ડેમ 50 થી 70 ટકા અને 10 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 20 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 107.72 ટકા વરસાદ વરસ્યો છે, કચ્છમાં 134.38 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.70 ટક, પૂર્વ મધ્યમાં 110.10 ટકા અને સૌરાષ્ટ્રમાં 93.36 ટકા વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમ 90.84 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના 206 જળાશયોમાં 87.47 ટકા જળસંગ્રહ છે.
આ પણ વાંચોઃ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, સરપંચ સહિત 100 કાર્યકર્તાઓ ભાજપમાં સામેલ થયા












