ઓમ બિરલા મુદ્દે વિવાદ ગરમાયો: રાહુલ ગાંધીને ગોળી મારવાની ધમકી આપનાર કોટાનો યુવાન અટકાયતમાં, રાજકીય ઘમાસાણ તેજ

નવી દિલ્હી/જયપુર: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે કથિત દુર્વ્યવહારના મુદ્દે વિવાદ વધ્યો છે. રાજસ્થાનના કોટાના રહેવાસી રાજ સિંહ અમેરા નામના વ્યક્તિએ એક વીડિયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને 25 અન્ય કોંગ્રેસ સાંસદોને ઘરમાં ઘુસીને ગોળી મારી દેવાની ધમકી આપી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તેને અટકાયતમાં લીધો છે.
વીડિયોમાં રાજ સિંહ અમેરા કહી રહ્યો છે કે, “ઓમ બિરલા સાથે 25 કોંગ્રેસ સાંસદોએ જે રીતે ગાળાગાળી કરી છે, તેનાથી ભાજપ અને કરણી સેનાના કાર્યકર્તાઓ ગુસ્સે છે. જો આવું ફરી વાર થશે તો અમે તેમના ઘરમાં ઘુસીને તોડફોડ કરીશું અને રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું. 24 કલાકમાં તે સાંસદોને અરેસ્ટ કરો, નહીં તો અમે તેમને એક-એક કરીને ગોળી મારીશું.” વીડિયોમાં પાછળ મોદી અને બિરલાનો ફોટો પણ જોવા મળે છે.
આ વીડિયોને કોંગ્રેસે તેના અધિકારીક X (ટ્વિટર) એકાઉન્ટ પર શેર કરીને ભાજપ પર આરોપ લગાવ્યો છે કે આ મોદી સરકારની નફરતી વિચારસરણીનું પરિણામ છે. કોંગ્રેસે પૂછ્યું કે, “શું ઓમ બિરલાના ઈશારા પર રાહુલ ગાંધીને ધમકી અપાઈ રહી છે? આ વ્યક્તિની હિંમત કેવી રીતે થઈ કે તેણે બિરલાનું નામ લઈને આ વીડિયો બનાવ્યો?” તેમણે આ મામલે સખત કાર્યવાહી અને તપાસની માંગ કરી છે.
ओम बिरला का लाडला BJP नेता खुलेआम नेता विपक्ष श्री @RahulGandhi और 25 सांसदों को घर में घुसकर गोली मारने की धमकी दे रहा है। ये नरेंद्र मोदी और उनकी सरकार की नफरती सोच का नतीजा है।
सोशल मीडिया पर इस गुंडे की बहुत सी फोटो और वीडियो वायरल हैं, जिसमें वो ओम बिरला के साथ नजर आ रहा… pic.twitter.com/azpFsQZBMh
— Congress (@INCIndia) February 19, 2026
બીજી તરફ, રાજસ્થાન પોલીસે રાજ સિંહ અમેરાને કોટામાં અટકાયતમાં લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વીડિયો વાયરલ થયા બાદ તરત જ કાર્યવાહી કરવામાં આવી. ભાજપ અને કરણી સેનાએ આ વ્યક્તિ સાથે કોઈ સંબંધ હોવાનો ઇન્કાર કર્યો છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, “આ વ્યક્તિ અમારી પાર્ટી સાથે જોડાયેલો નથી અને અમે આવી ધમકીઓની નિંદા કરીએ છીએ.”
કોટા શહેરના ભાજપ પ્રમુખ રાકેશ જૈને કહ્યું કે આ વ્યક્તિનું પાર્ટી સાથે કોઈ કનેક્શન નથી. તેમણે વીડિયોમાં વપરાયેલી ભાષાને ભાજપની વિચારધારા અને મૂલ્યોની વિરુદ્ધ ગણાવી અને આવી ધમકીઓની નિંદા કરી. ત્યારે રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાએ પણ સ્પષ્ટ કહ્યું કે રાજ સિંહ અમેરા સાથે તેમના સંગઠનનો કોઈ સંબંધ નથી. તેમણે કોઈ પણ પ્રકારનું જોડાણ નકાર્યું.
આ મામલે વધુ તપાસ ચાલુ છે અને પોલીસ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરી રહી છે. રાજકીય વર્તુળોમાં આને લઈને તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે, જે વિરોધ પક્ષો વચ્ચે તણાવ વધારી શકે છે.
આ પણ વાંચો: રમઝાનમાં દારૂની દુકાનો બંધ રાખવા ઓવૈસીની પાર્ટીએ દિલ્હી સરકારને કરી અપીલ












