Priyansh Arya Hits Six On 1st Ball Of Match: IPL 2026માં જ્યારે પણ વિસ્ફોટક બેટિંગની વાત આવે છે ત્યારે લોકોના મનમાં વૈભવ સૂર્યવંશી કે અભિષેક શર્માના નામ આવે છે. પરંતુ પંજાબ કિંગ્સના યુવા ઓપનર પ્રિયાંશ આર્યએ પોતાની આક્રમક બેટિંગથી એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે અત્યાર સુધી આઈપીએલના ઈતિહાસમાં કોઈ પણ બેટ્સમેન કરી શક્યું નથી. 11 મેના રોજ ધર્મશાલાના સુંદર સ્ટેડિયમમાં રમાયેલી દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પ્રિયાંશે પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી.
મિચેલ સ્ટાર્ક સામેની આક્રમક શરૂઆત
ધર્મશાલા પંજાબ કિંગ્સનું બીજું હોમ ગ્રાઉન્ડ છે અને સીઝનની અહીં રમાયેલી પ્રથમ મેચમાં પંજાબે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ ઓપનિંગમાં આવ્યા હતા. દિલ્હી તરફથી પ્રથમ ઓવર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ફેંકી રહ્યા હતા. પ્રિયાંશે જરાય ડર્યા વગર સ્ટાર્કના પહેલા જ બોલને કવર ઉપરથી સુંદર છગ્ગા માટે મોકલી આપ્યો હતો.
આઈપીએલ ઈતિહાસનો અનોખો રેકોર્ડ
આ સિક્સર સાથે પ્રિયાંશ આર્ય આઈપીએલના ઈતિહાસમાં બે અલગ-અલગ મેચોમાં ઇનિંગના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અગાઉ IPL 2025માં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ખલીલ અહેમદના બોલ પર પણ આ જ પરાક્રમ કર્યું હતું. વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલ જેવા દિગ્ગજોએ પણ મેચના પહેલા બોલે સિક્સર ફટકારી છે, પરંતુ તેઓ આવું માત્ર એક જ વાર કરી શક્યા છે. જોકે, ઇનિંગના પહેલા બોલે સૌથી વધુ વખત (4 વખત) સિક્સર મારવાનો રેકોર્ડ હજુ પણ યશસ્વી જયસ્વાલના નામે છે, પરંતુ બે અલગ-અલગ મેચની શરૂઆત સિક્સરથી કરવામાં પ્રિયાંશ હવે સૌથી આગળ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પાવરપ્લેમાં રનનો ખડકલો
પ્રિયાંશની આક્રમકતા માત્ર પહેલા બોલ પૂરતી મર્યાદિત નહોતી. તેણે સ્ટાર્કની એ જ ઓવરમાં વધુ એક સિક્સર ફટકારી હતી અને પ્રભસિમરને પણ ચોગ્ગો માર્યો હતો, જેના પરિણામે પ્રથમ ઓવરમાં જ 22 રન આવ્યા હતા. પંજાબની ટીમે માત્ર 16 બોલમાં પોતાના 50 રન પૂર્ણ કરી લીધા હતા. પ્રિયાંશે પોતાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રાખી અને માત્ર 24 બોલમાં સીઝનની પોતાની ત્રીજી ફિફ્ટી પૂરી કરી હતી. પ્રિયાંશ આર્ય 23 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તેણે પંજાબને એક પહાડ જેવી શરૂઆત અપાવી દીધી હતી. તેની આ ઇનિંગે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે IPL 2026ના સૌથી ભયજનક ઓપનર તરીકે ઉભરી રહ્યો છે.












