ટ્રેન્ડિંગનેશનલ

શું દેશમાં ફરી લૉકડાઉન થશે? મુખ્યમંત્રીઓની બેઠક સાથે વડાપ્રધાન મોદીએ આપ્યો સ્પષ્ટ સંદેશ

Middle East War Impact: મિડલ ઈસ્ટમાં જારી યુદ્ધ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાના જોખમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચે મળેલી મહત્વની વર્ચ્યુઅલ બેઠક પૂર્ણ થઈ છે. આશરે બે કલાક ચાલેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતમાં તેલ, ગેસ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવાનો હતો.

‘ટીમ ઈન્ડિયા’ ના જઝબાની જરૂરિયાત

વડાપ્રધાન મોદીએ આ સ્થિતિની સરખામણી 6 વર્ષ પહેલાની કોરોના મહામારી સાથે કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે કોવિડ-19 દરમિયાન કેન્દ્ર અને રાજ્યોએ ‘ટીમ ઈન્ડિયા’ બનીને કામ કર્યું હતું, આજે ફરી તે જ જુસ્સાની જરૂર છે. પીએમએ મુખ્યમંત્રીઓને અપીલ કરી છે કે તેઓ પોતપોતાના રાજ્યોમાં એવી વ્યવસ્થા કરે જેથી સામાન્ય માણસની જરૂરિયાતની વસ્તુઓ પર કોઈ આંચ ન આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યારે દેશ સંકટમાં હોય ત્યારે કેન્દ્ર અને રાજ્યોએ એક પરિવારની જેમ લડવું પડે છે.

ઈંધણ અને મોંઘવારી પર મંથન

બેઠકમાં ઈરાન યુદ્ધના કારણે ઈંધણની સપ્લાય, વધતી મોંઘવારી અને લોજિસ્ટિક્સ વ્યવસ્થાને દુરસ્ત રાખવા પર ગંભીર ચર્ચા થઈ હતી. જોકે, પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ હોવાથી ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ થઈ શક્યા નહોતા.

બેઠકમાં હાજર મુખ્યમંત્રીઓ

ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં મળેલી આ હાઈ-લેવલ મીટિંગમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, પંજાબના ભગવંત માન અને જમ્મુ-કાશ્મીરના ઓમર અબ્દુલ્લા સહિત અનેક રાજ્યોના વડાઓએ હાજરી આપી હતી. દરેક મુખ્યમંત્રીએ પોતપોતાના રાજ્યોની તૈયારીઓનો અહેવાલ રજૂ કર્યો હતો.

લોકડાઉનની અટકળો પર વિરામ

બેઠકના અંતે સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશની સુરક્ષા અને જીવનજરૂરી ચીજોના પુરવઠા પર સતત નજર રાખવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં કોઈ લોકડાઉન લાદવામાં આવશે નહીં. સરકારનો પ્રયાસ છે કે મિડલ ઈસ્ટની આગની લપેટ ભારતની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાના રસોડા સુધી ન પહોંચે.

આ પણ વાંચોઃ Rajkot: શિક્ષિકા પર દુષ્કર્મ કેસમાં નવો ધડાકો, વિદ્યાર્થીએ 16 મિનિટનો વીડિયો વાયરલ કરી આપઘાતનો પ્રયાસ કર્યો

આ પણ વાંચોઃ IPL 2026: અમદાવાદમાં રમાશે કુલ 7 હાઈવોલ્ટેજ મેચ, જાણો ગુજરાત ટાઈટન્સનું સંપૂર્ણ શેડ્યૂલ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button