ભારતની કાર્યવાહીથી રઘવાયું થયું પાકિસ્તાન, જાણો વિગત

ઈસ્લામાબાદ, તા. 24 એપ્રિલ, 2025: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી હતી. ભારતે પાકિસ્તાન પર પાંચ પ્રતિબંધો લગાવ્યા હતા. જેમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ, ભારત પાકિસ્તાનમાં પોતાનું દૂતાવાસ બંધ કરશે,ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી,ભારત સરકારે દેશમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપ્યો અને કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારતીય વિઝા આપવામાં આવશે નહીં તેવા નિર્ણય લીધા હતા.
ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન રઘવાયું થયું હતું. પાકિસ્તાને આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠક ઈસ્લામાબાદમાં શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં થઈ હતી. તેમાં પાકિસ્તાનના ત્રણેય સેનાધ્યક્ષ, પ્રધાનો, સિવિલ અને સૈન્ય અધિકારીઓ સામેલ થયા હતા.
પાકિસ્તાની મીડિયા મુજબ, જો ભારત પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકશે અથવા દિશા બદલવાની કોશિશ કરશે તો તેને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે.
પાકિસ્તાનની સુરક્ષા પરિષદમાં લેવામાં આવેલા નિર્ણય
- તમામ દ્વિપક્ષીય સમજૂતી તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી.
- પાકિસ્તાને પણ વાઘા બોર્ડર બંધ કરવાનો આદેશ આપ્યો.
- ભારતીય એરલાઈન્સ માટે એરસ્પેસ બંધ કરી.
- પાકિસ્તાનની અખંડતા અને સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના ખતરાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
- ભારત પાણી રોકશે તો તેને યુદ્ધ જેવું કૃત્ય માનવામાં આવશે.
ભારતીયોને તુરંત સ્વદેશ ફરવા સલાહ
બીજી તરફ કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં રહેતાં અને પ્રવાસે ગયેલા ભારતીયોને તુરંત જ સ્વદેશ પરત ફરવા સલાહ આપવામાં આવી હતી. સરકારનું આ પગલું જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યું છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ગુજરાતના ત્રણ અને બે વિદેશી સામેલ છે. આ ક્રૂર આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનનો બહિષ્કાર કરતાં વિવિધ પ્રતિબંધો મૂકી રહી છે. વિદેશી બાબતોના મંત્રાલયે ભારતીયોને પાકિસ્તાનનો પ્રવાસ ન કરવા ચોખ્ખી ના પાડી છે.
આ પણ વાંચોઃ ફરી પડી ભાંગી શકે છે કાશ્મીરની ટુરિઝમ ઈન્ડસ્ટ્રી, આતંકી હુમલા બાદ 90 ટકા બુકિંગ થયા કેન્સલ












