આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશમાં સરકાર વિરુદ્ધ વિપક્ષોના હિંસક દેખાવો, ઠેરઠેર આગ અને તોડફોડ

  • બાંગ્લાદેશના ઢાકામાં PM વિરુદ્ધની વિપક્ષની રેલી બની હિંસક
  • રેલીએ હિંસકરૂપ ધારણ કરતાં એક પોલીસકર્મીનું મૃત્યુ, અનેક લોકો ઘાયલ
  • PMનું રાજીનામું તેમજ મુક્ત-ન્યાયી ચૂંટણીની માંગ સાથે નીકળી હતી રેલી

 ઢાકા, 29 ઑક્ટોબરઃ બાંગ્લાદેશના ઢાકામાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણીના વિરોધ સાથે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી એવી BNP દ્વારા શનિવારે યોજાયેલી રેલી હિંસક બની હતી. આ રેલી હિંસક બનતા એક પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું હતું અને યુનિફોર્મમાં આવેલા 40 અન્ય પોલીસ જવાનો સાથે 100 કરતાં વધુ નાગરિકો ઘાયલ થયા હતા. વિપક્ષી પાર્ટી BNP દ્વારા વડાપ્રધાન શેખ હસીનાનું રાજીનામું તેમજ મુક્ત અને ન્યાયી ચૂંટણીની માંગ સાથે રેલી કાઢવામાં આવી હતી.

સમર્થકોએ મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાનને પણ બનાવ્યું નિશાન 

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ 28 ઓક્ટોબરે શાંતિપૂર્ણ રેલીનું વચન આપ્યું હતું. જેથી પાર્ટીને ઢાકાના નયાપલટન ખાતે પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયની સામે રેલી યોજવાની મંજૂરી મળી હતી. સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી સહકાર હોવા છતાં, BNP પાર્ટી તેનું વચન પાળવામાં નિષ્ફળ રહી હતી. જેના પરિણામે ઢાંકામાં નોંધપાત્ર અવ્યવસ્થા અને જાહેર ખલેલ ઊભી થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, BNP સમર્થકોએ રેલી દરમિયાન બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાનને પણ નિશાન બનાવતા પરિસ્થિતિ વધુ વણસી હતી. તેઓએ ચીફ જસ્ટિસના ઘર, ન્યાયાધીશ ક્વાર્ટર્સ, પોલીસ બૉક્સ, જાહેર પરિવહન અને હોસ્પિટલો સહિત વિવિધ સરકારી મિલકતો પર હુમલો કર્યો હતો.

જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે :ગૃહપ્રધાન

બાંગ્લાદેશના ગૃહપ્રધાન અસદુઝમાન ખાન કમલે જણાવ્યું હતું કે “મળેલા વિડિયો ફૂટેજમાં સ્પષ્ટપણે પોલીસકર્મીના મૃત્યુમાં છાત્રદળ (બીએનપીની વિદ્યાર્થી પાંખ)ના નેતાની સંડોવણી હોવાનું જણાઈ છે. મુખ્ય ન્યાયાધીશના નિવાસસ્થાન પર હુમલો એ અભૂતપૂર્વ ઘટના હતી. જેથી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

સમગ્ર ઢાકામાં BNP સમર્થકોનો વિરોધ ફાટી નીકળ્યો

બાંગ્લાદેશની આગામી ચૂંટણીઓ જાન્યુઆરી 2024ની શરૂઆતમાં યોજાવાની અપેક્ષા સાથે, BNP અને શાસક પક્ષ અવામી લીગ વચ્ચે તણાવ વધુ તીવ્ર થવાની સંભાવના છે. વડાપ્રધાન શેખ હસીના તારીખ 25-26 ઓક્ટોબરના રોજ બે દિવસ સુધી આયોજિત ‘ગ્લોબલ ગેટવે ફોરમ’માં હાજરી આપ્યા બાદ શુક્રવારે બ્રસેલ્સથી પરત ફર્યા હતા. વડાપ્રધાનના પરત ફરતા જ BNP સમર્થકોનો સમગ્ર ઢાકામાં વિરોધ ફાટી નીકળ્યો હતો.

આ પણ વાંચો :કેરળ બ્લાસ્ટ બાદ મુંબઈ અને રાજધાની દિલ્હી હાઇ એલર્ટ પર

Back to top button