ટોપ ન્યૂઝબિઝનેસ

ભારતમાં ઈંધણ કટોકટી ટાળવા મોદી સરકારનો ‘પ્લાન-B’, તેલ કંપનીઓને દૈનિક ₹1700 કરોડનું નુકસાન

US-Iran War Impact: અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા જતા સૈન્ય સંઘર્ષ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz) બંધ થવાની ભીતિએ વૈશ્વિક ઉર્જા બજારમાં ખળભળાટ મચાવ્યો છે. પશ્ચિમ એશિયાના આ તણાવની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. જોકે, કેન્દ્ર સરકારે તેલની અછત અને LPG કટોકટીને પહોંચી વળવા માટે ‘પ્લાન-B’ અમલમાં મૂક્યો છે, જેથી સામાન્ય જનતા પર ભાવ વધારાનો સીધો બોજ ન પડે.

સ્થાનિક ઉત્પાદનમાં વધારો અને આયાત વૈવિધ્યીકરણ

યુદ્ધના કારણે પુરવઠા સાંકળ ખોરવાતા સરકારે સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો છે. કટોકટીના શરૂઆતી દિવસોમાં જ ઘરેલુ LPG ઉત્પાદન જે દૈનિક 36,000 ટન હતું, તેને વધારીને 54,000 ટન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભારત હવે તેલની આયાત માટે માત્ર પશ્ચિમ એશિયા પર નિર્ભર રહેવાને બદલે અન્ય દેશો પાસેથી આયાત કરવાના વિકલ્પો પર કામ કરી રહ્યું છે. સરકારના આ વ્યૂહાત્મક પગલાંને કારણે વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે.

તેલ કંપનીઓ પર આર્થિક બોજ: ₹1 લાખ કરોડની અંડર-રિકવરી

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 50 ટકાનો તોતિંગ વધારો થયો હોવા છતાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા 10 અઠવાડિયાથી યથાવત રાખવામાં આવ્યા છે. પીટીઆઈના રિપોર્ટ અનુસાર, ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી સરકારી કંપનીઓ જૂના ભાવે ઈંધણ વેચી રહી છે. આના પરિણામે કંપનીઓને દરરોજ ₹1,600 થી ₹1,700 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા અઢી મહિનામાં આ નુકસાનનો કુલ આંકડો ₹1 લાખ કરોડને વટાવી ગયો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વૈશ્વિક ભાવોમાં ઉછાળો છતાં ભારતમાં સ્થિરતા

મધ્ય પૂર્વમાં યુદ્ધની શરૂઆત બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા છે. પાકિસ્તાનથી લઈને બ્રિટન સુધી ઈંધણના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જોકે, ભારતમાં પેટ્રોલ અત્યારે પણ ₹94.77 અને ડીઝલ ₹87.67 પ્રતિ લિટર પર સ્થિર છે. સરકારે જનતાને રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જોકે, માર્ચ મહિનામાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો, જે હજુ પણ વાસ્તવિક બજાર કિંમત કરતા ઘણો ઓછો છે.

15 મે પહેલા ભાવ વધારાની શક્યતા?

ઉર્જા નિષ્ણાતોના મતે, જો લાંબા સમય સુધી ક્રૂડ ઓઈલ મોંઘુ રહેશે તો તેલ કંપનીઓ માટે આટલું મોટું આર્થિક દબાણ સહન કરવું મુશ્કેલ બનશે. કંપનીઓને કામકાજ ચલાવવા માટે મોટી લોન લેવી પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો નિર્ણય રાજકીય છે. એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે સરકાર 15 મે પહેલા ઈંધણના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. હાલમાં ભારતની 40% ક્રૂડ ઓઈલ આયાત અને 90% LPG આયાત આ યુદ્ધગ્રસ્ત વિસ્તાર પર નિર્ભર હોવાથી આવનારો સમય ભારત માટે પડકારજનક બની શકે છે.

આ પણ વાંચો: ઓરેન્જ કેપની રેસમાં આજે વિરાટ કોહલી અને સંજુ સેમસન લગાવશે છલાંગ, જાણો અત્યારે કોણ છે ટોપ-5માં?

Back to top button