‘પાકિસ્તાની કાશ્મીર નહીં, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર’, ન્યૂયોર્ક ટાઇમ્સને ભારતનો કડક જવાબ

India’s stern reply to New York Times : અમેરિકાના અગ્રણી અખબાર ધ ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા એક અહેવાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ‘પાકિસ્તાની કાશ્મીર’ તરીકે સંબોધવામાં આવતા ભારતે વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકામાં આવેલા ભારતીય દૂતાવાસે આ શબ્દપ્રયોગને ભ્રામક અને તથ્યવિરોધી ગણાવી સ્પષ્ટ કર્યું કે ‘પાકિસ્તાની કાશ્મીર’ જેવી કોઈ સંજ્ઞા નથી, માત્ર ‘પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)’છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે, હતા અને હંમેશા રહેશે.
શું હતો ન્યૂયોર્ક ટાઇમ્સનો અહેવાલ?
ભારતની પ્રતિક્રિયા ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ બાદ સામે આવી છે. અહેવાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં તાજેતરની અશાંતિ અને સ્થાનિક ચૂંટણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અહેવાલ અનુસાર, મીરપુર વિસ્તારમાં સુરક્ષા દળો અને **જોઇન્ટ અવામી એક્શન કમિટી**ના સભ્યો વચ્ચે અથડામણ થતાં હિંસા ફાટી નીકળી હતી. આ સંગઠન પોલીસની કથિત કાર્યવાહીના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યું હતું. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અથડામણ દરમિયાન ગોળીબારમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા. સાથે જ પાકિસ્તાન માનવાધિકાર આયોગે આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હોવાનું પણ જણાવાયું હતું.
ચૂંટણી પ્રક્રિયા પર અસરનો દાવો
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી અશાંતિના કારણે અનેક લોકોના જીવ ગયા છે અને તેની અસર સ્થાનિક ચૂંટણી પ્રક્રિયા પર પણ પડી છે.
અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જોઇન્ટ અવામી એક્શન કમિટીનો દાવો છે કે પોલીસ સાથેની અથડામણમાં તેમના અનેક સભ્યોના મોત થયા હતા. જોકે, અખબારે સ્પષ્ટ કર્યું છે કે આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી અને સંબંધિત સત્તાવાળાઓએ પણ તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
ભારતે ફરી સ્પષ્ટ કર્યો પોતાનો અભિગમ
ભારતે ફરી એકવાર પોતાના લાંબા સમયથી ચાલતા સત્તાવાર અભિગમને પુનરાવર્તિત કરતાં જણાવ્યું કે સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન ભાગ છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાને આ વિસ્તારના કેટલાક ભાગો પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે, પરંતુ તેનાથી ભારતના સાર્વભૌમ અધિકારો પર કોઈ અસર પડતી નથી.
ભારતીય દૂતાવાસે વધુમાં આરોપ લગાવ્યો કે પાકિસ્તાન આ વિસ્તારોમાં રહેતા લોકો સામે હિંસા અને દમનકારી નીતિઓ ચાલુ રાખી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે તથ્ય આધારિત શબ્દપ્રયોગ થવો જરૂરી છે.
આ પણ વાંચો :Horoscope Today: વાંચો તમામ 12 રાશિનું આજનું દૈનિક રાશિફળ












