નેપાળ પૂરનો કહેર, ભોપાલના એક જ પરિવારના 29 લોકો લાપતા
Nepal floods: નેપાળમાં આવેલા ભીષણ ફ્લેશ ફ્લડ (અચાનક આવેલા પૂરે)ની અસર હવે મધ્યપ્રદેશના ભોપાલ સુધી પહોંચી ગઈ છે. રાજધાની ભોપાલના કોલાર વિસ્તાર સાથે સંકળાયેલા એક પરિવારના 29 સગાં-સંબંધીઓ ગોસાઈંકુંડની યાત્રા દરમિયાન લાપતા થઈ ગયા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, 26 ઓગસ્ટની સવારે આશરે 9:30 વાગ્યે તેમની સાથે છેલ્લી વાર ફોન પર વાતચીત થઈ હતી, જે બાદથી કોઈની સાથે સંપર્ક થઈ શક્યો નથી.
લાપતા થયેલા લોકોમાં પરિવારના અનેક નજીકના સભ્યો સામેલ છે. પરિવારે જણાવ્યું કે યાત્રાના આ ગ્રુપમાં ભાઈ-ભાભી, દિયર-દેરાણી, બહેન-બનેવી અને અન્ય સંબંધીઓ હતા. આ તમામ લોકો નેપાળના રસુવા જિલ્લામાં આવેલા પવિત્ર ગોસાઈંકુંડ તીર્થની યાત્રાએ ગયા હતા.
છેલ્લા ફોન કૉલમાં શું વાત થઈ?
પરિવારજનોના જણાવ્યા અનુસાર, પૂરનું પાણી અચાનક વધી જતાં ગ્રુપે પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત ઊંચાઈવાળા વિસ્તાર તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. તે પહેલાં તેઓએ એક મકાનની છત પર આશરો લીધો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પરિવારના સભ્ય દેવકી અધિકારીએ જણાવ્યું કે છેલ્લી વાતચીતમાં તેમને કહેવામાં આવ્યું હતું કે મકાનનો એક હિસ્સો પાણીમાં ડૂબી ચૂક્યો છે અને સ્થિતિ અત્યંત ગંભીર છે. સ્વજનોના કહેવા પ્રમાણે, આ દરમિયાન બાળકોનું ધ્યાન રાખવાની વાત પણ કહેવામાં આવી હતી. ત્યારબાદ ફોન પર વાતચીત અટકી ગઈ હતી. પરિવારજનોનું કહેવું છે કે તેઓએ સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈના મોબાઇલ ફોન પરથી કોઈ ઉત્તર મળ્યો નહોતો.
29 લોકોમાં કોણ-કોણ સામેલ?
પરિવારના જણાવ્યા મુજબ, લાપતા થયેલા લોકોમાં એક જ સંયુક્ત કુટુંબના અનેક સભ્યો સામેલ છે. જેમાં બે ભાઈઓ અને તેમની પત્નીઓ ઉપરાંત બહેન-બનેવી તેમજ અન્ય નજીકના સગાં-સંબંધીઓનો સમાવેશ થાય છે. પરિવાર દ્વારા મળેલી માહિતી અનુસાર, આ તમામ લોકો એકસાથે નેપાળ ગયા હતા. આ યાત્રાનો મુખ્ય હેતુ પવિત્ર ગોસાઈંકુંડમાં ધાર્મિક દર્શન કરવાનો હતો.

બસનો પણ કોઈ પત્તો નથી મળ્યો
પરિવારજનોની ચિંતા એટલા માટે પણ વધી ગઈ છે કારણ કે આ ગ્રુપ જે વાહન (બસ) દ્વારા મુસાફરી કરી રહ્યું હતું, તેના વિશે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. ભીષણ પૂરના કારણે રસ્તાઓ, પુલ અને અન્ય સંપર્ક માર્ગો તૂટી ગયા છે, જેના લીધે અસરગ્રસ્ત પહાડી વિસ્તારો સુધી પહોંચવું રાહત ટીમો માટે અત્યંત મુશ્કેલ બની રહ્યું છે.
હાલના તબક્કે આ 29 લોકોના મોતના કોઈ સમાચારની પુષ્ટિ થઈ નથી. તેમને હાલ લાપતા કે સંપર્કવિહોણા ગણવામાં આવી રહ્યા છે, તેથી તેમની સ્થિતિ અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળિયું ગણાશે.
નેપાળમાં મોટા પાયે રાહત અને બચાવ કામગીરી યથાવત
આ સમગ્ર મામલો નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં સર્જાયેલી એ વ્યાપક કુદરતી હોનારતનો એક ભાગ છે, જેમાં અચાનક આવેલા પૂરે અનેક વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો છે. 29 ઓગસ્ટ સુધીમાં નેપાળમાં 626 લોકોના મોત અને લગભગ 3,000 લોકો લાપતા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ખરાબ હવામાન અને દુર્ગમ પહાડી વિસ્તારોના કારણે રાહત તેમજ બચાવ કામગીરીમાં સતત મોટા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

નેપાળમાં બચાવ અભિયાન દરમિયાન હજારો લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જોકે અનેક વિસ્તારોમાં કાટમાળના ઢગલા, તૂટી ગયેલા રસ્તાઓ અને ટેલિકોમ નેટવર્ક ખોરવાઈ જવાને લીધે લાપતા લોકોની શોધખોળ કરવામાં ઘણો સમય લાગી રહ્યો છે.
મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો પણ પ્રભાવિત
નેપાળ અને તિબેટમાં આવેલા ભીષણ પૂરના કારણે મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ફસાયા હોવાની કે લાપતા થવાની વિગતો સામે આવી છે. હોનારતના શરૂઆતના દિવસોમાં નેપાળમાં 288 ભારતીય નાગરિકો લાપતા હોવાની માહિતી સામે આવી હતી. ત્યારબાદ સ્થિતિ સતત બદલાઈ રહી છે અને બચાવ કામગીરી સાથે આંકડાઓમાં પણ ફેરફાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો : નેપાળની ત્રાાસદી જોઈને ભાવુક થયા અમિતાભ બચ્ચન, પીડિતો માટે છલકાયું દર્દ
ભોપાલના આ પરિવારના કિસ્સામાં પણ સ્વજનો સતત સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત એજન્સીઓના સંપર્કમાં છે. તેમનું કહેવું છે કે તેઓ પોતાના સંબંધીઓની સુરક્ષા અંગેની સત્તાવાર માહિતી મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પરિવારને હવે રેસ્ક્યૂ ટીમ તરફથી માહિતીની રાહ
હાલ સૌથી મોટી ચિંતા એ વાતની છે કે પૂર દરમિયાન આ 29 સભ્યો કયા સ્થળે હતા અને શું તેઓ કોઈ સુરક્ષિત વિસ્તાર સુધી પહોંચી શક્યા છે કે નહીં. પહાડી વિસ્તારમાં સંચાર વ્યવસ્થા (નેટવર્ક) ખોરવાઈ જવાને કારણે ફોન પર સંપર્ક થઈ શકતો નથી.

પરિવારજનોએ વહીવટીતંત્ર સમક્ષ માંગણી કરી છે કે નેપાળમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન દ્વારા આ જૂથ અંગે માહિતી મેળવવામાં આવે અને તેમને વહેલી તકે સમગ્ર પરિસ્થિતિથી માહિતગાર કરવામાં આવે. ઉપલબ્ધ અહેવાલો મુજબ, આ 29 સભ્યોમાંથી કોઈના પણ મોતની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો :સમય રૈના ફરી વિવાદમાંઃ શોમાં બિહારી-કાશ્મીરી પંડિતોની કરી મજાક, પટનાથી શ્રીનગર ગરમાયો માહોલ












