નેપાળના પૂરમાં ફસાયેલા ગુજરાતીઓ માટે વહીવટતંત્ર એલર્ટ, હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
અમદાવાદ/કાઠમંડુ: નેપાળ-ચીન સરહદ નજીક રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક અચાનક પૂર બાદ ભારત સહિત અનેક દેશોના પ્રવાસીઓ અંગે ચિંતા વધી છે. નેપાળ ટૂરિઝમ બોર્ડે જાહેર કરેલી પ્રાથમિક યાદીમાં 384 પ્રવાસીઓનો સંપર્ક ન થઈ શક્યો હોવાનું જણાવાયું હતું, જેમાં 105 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. જોકે ટૂરિઝમ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રાથમિક યાદી છે અને તેમાં સામેલ લોકોની સુરક્ષા તથા હાલના સ્થળની ચકાસણી ચાલુ છે.
291 વિદેશી અને 93 નેપાળી પ્રવાસીઓની યાદી
નેપાળ ટૂરિઝમ બોર્ડના પ્રાથમિક આંકડા પ્રમાણે 384 લોકોમાં 291 વિદેશી નાગરિક અને 93 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. ભારતીય નાગરિકોની સંખ્યા 105 દર્શાવવામાં આવી હતી, જ્યારે 37 લોકોને NRI તરીકે અલગથી નોંધવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બ્રિટન અને મલેશિયા સહિત અનેક દેશોના પ્રવાસીઓ પણ આ યાદીમાં સામેલ હતા.
આ વિગતો દસ જેટલી ટૂર અને ટ્રાવેલ એજન્સીઓ પાસેથી એકત્ર કરવામાં આવી હતી. નેપાળ ટૂરિઝમ બોર્ડ, ટૂરિસ્ટ પોલીસ, સ્થાનિક તંત્ર, ટ્રાવેલ એજન્સીઓ અને સુરક્ષા એજન્સીઓ પ્રવાસીઓ ક્યાં છે અને તેઓ સુરક્ષિત છે કે નહીં તેની ચકાસણી કરી રહી છે.
કૈલાસ-માનસરોવર યાત્રા માટે આ વર્ષે ભારે ધસારો
આ વર્ષે કૈલાસ-માનસરોવર યાત્રા માટે ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચીને નેપાળના માર્ગે કૈલાસ જતા ભારતીય શ્રદ્ધાળુઓ માટે 2026માં 24 હજારનો ક્વોટા નક્કી કર્યો હતો, જ્યારે 2025માં આ મર્યાદા 20 હજાર હતી. મે મહિનાના અંત સુધીમાં જ માંગ 40 હજારથી વધુ પહોંચી હોવાનું નેપાળી ટૂર ઓપરેટર્સે જણાવ્યું હતું.
જૂનના મધ્ય સુધીમાં 24 હજારનો ક્વોટા ભરાઈ ગયો હોવાના અહેવાલ પણ આવ્યા હતા. પરિણામે અનેક ભારતીય યાત્રિકોને પરમિટ અથવા આગળની મંજૂરી માટે રાહ જોવી પડી હતી.
ગુજરાતના યાત્રિકો અંગે હજુ સત્તાવાર ખરાબ સમાચાર નહીં
ગુજરાતમાંથી પણ દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કૈલાસ-માનસરોવર યાત્રાએ જાય છે. હાલ ઉપલબ્ધ માહિતી મુજબ સૌરાષ્ટ્ર કે ગુજરાતના પ્રવાસીઓ આ પૂર દુર્ઘટનામાં ફસાયા કે લાપતા થયા હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. જોકે પ્રવાસીઓની ઓળખ અને તેમનું લોકેશન ચકાસવાની કામગીરી ચાલુ હોવાથી ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પણ વિગતો મેળવી રહ્યું છે.
સ્થાનિક ટૂર ઓપરેટર્સના જણાવ્યા મુજબ ગુજરાતના કેટલાક યાત્રિકો અગાઉની બેચમાં યાત્રા પૂર્ણ કરીને પરત આવી ચૂક્યા હતા, જ્યારે કેટલાક લોકોને પરમિટ અથવા વિઝાની પ્રક્રિયાને કારણે યાત્રા મુલતવી રાખવી પડી હતી.
રાજકોટના 125 યાત્રિકોની યાત્રા પરમિટના કારણે અટકી
રાજકોટના 125 શ્રદ્ધાળુઓના એક ગ્રુપની કૈલાસ-માનસરોવર યાત્રા પણ ચીન તરફથી જરૂરી પરમિટ ન મળવાના કારણે આગળ વધી શકી નહોતી. આ યાત્રિકો અમદાવાદથી કાઠમંડુ પહોંચ્યા હતા અને 23 ઓગસ્ટ આસપાસ કેરુમ તરફ આગળ વધવાના હતા. પરંતુ યાત્રા સ્થગિત થતાં તેઓ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા નહોતા.
આ ગ્રુપ જે માર્ગે આગળ જવાનું હતું તેની નજીક જ બાદમાં વિનાશક પૂર આવ્યું હતું. જેથી પરમિટ નહીં મળવાના કારણે તેમની યાત્રા અટકી જવી તેમના માટે સંજોગવશાત મોટી રાહત સાબિત થઈ.
ગુજરાતમાં હેલ્પલાઇન નંબર જાહેર
નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ગુજરાતના કોઈ પ્રવાસી અથવા યાત્રિક અંગે માહિતી મેળવવા માટે વિવિધ જિલ્લા તંત્રોએ કન્ટ્રોલ રૂમ સક્રિય કર્યા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પણ પ્રવાસીઓ અને તેમના પરિવારજનો માટે ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ મારફતે મદદ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા તંત્રના સત્તાવાર હેલ્પલાઇન મુજબ જિલ્લા હેલ્પલાઇન 1077 તથા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર નંબર 079-27560511 પર સંપર્ક કરી શકાય છે. રાજ્યસ્તરીય બચાવ અને રાહત માટે 1070 નંબર પણ ઉપલબ્ધ છે.
પરિવારજનોને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ
નેપાળ ટૂરિઝમ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે શરૂઆતમાં જાહેર થયેલી પ્રવાસીઓની યાદીને અંતિમ મૃત્યુ કે લાપતા લોકોની યાદી તરીકે ન જોવી જોઈએ. અનેક વિસ્તારોમાં મોબાઇલ નેટવર્ક, રસ્તા અને સંચાર વ્યવસ્થા ખોરવાઈ જવાને કારણે પ્રવાસીઓ સાથે સંપર્ક ન થવાની સ્થિતિ પણ સર્જાઈ છે.
તેથી પરિવારજનોને અફવાઓથી દૂર રહેવા અને નેપાળ ટૂરિઝમ બોર્ડ, ભારતીય દૂતાવાસ, સ્થાનિક વહીવટી તંત્ર તેમજ સંબંધિત ટૂર ઓપરેટરની સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે. નેપાળમાં હાલ મોટા પાયે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
આ પણ વાંચો: મુંબઈની વિચિત્ર ઘટના: 10માં માળેથી મહિલા પડી, ઝાડની ડાળીઓમાં ફસાઈ જતાં જીવ બચી ગયો












