ગુજરાત

શું ખરેખર ગુજરાતમાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે? ગુજરાતમાં ગુનાખોરીનો અસલી આંકડો આવ્યો સામે!

NCRB Report 2024: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલ “ક્રાઈમ ઇન ઇન્ડિયા – 2024” ના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી વધુ મજબૂત અને સલામત હોવાનું સામે આવ્યું છે. સત્તાવાર ડેટા સ્પષ્ટ કરે છે કે હિંસાત્મક અને ગંભીર પ્રકારના ગુનાઓમાં ગુજરાતનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ખૂબ જ નીચો છે, જે નાગરિકો માટે સુરક્ષિત વાતાવરણની સાક્ષી પૂરે છે.

દારૂબંધીના કેસોને કારણે આંકડો ઊંચો, વાસ્તવિક ગુનાખોરી ઘણી ઓછી

રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં દેશનો સરેરાશ ક્રાઈમ રેટ 252.3 નોંધાયો છે, જેની સામે ગુજરાતનો કુલ ગુનાખોરીનો દર 227.7 છે. આ સાથે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં ગુજરાત એકંદરે 12મા સ્થાને આવે છે. જોકે, આ આંકડા પાછળનું મુખ્ય કારણ ગુજરાત પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે. રાજ્યમાં કડક દારૂબંધી અમલમાં હોવાથી પોલીસ દ્વારા દર વર્ષે પ્રોહિબિશન એક્ટ હેઠળ લાખોની સંખ્યામાં ગુનાઓ સામેથી નોંધીને કડક કાર્યવાહી કરાય છે. જ્યારે NCRB કુલ ગુનાઓની ગણતરી કરે છે, ત્યારે આ સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ (SLL) ના કેસો પણ તેમાં ઉમેરાય છે. જો આ દારૂબંધીના કેસોને બાદ રાખવામાં આવે, તો પરંપરાગત આઈ.પી.સી. અથવા બી.એન.એસ. હેઠળ નોંધાતા વાસ્તવિક ગુનાઓનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે નીચો છે.

મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં ગુજરાત અગ્રેસર

મહિલાઓની સુરક્ષાના મામલે ગુજરાતે દેશભરમાં ઉત્કૃષ્ટ સ્થાન જાળવી રાખ્યું છે. રાષ્ટ્રીય સ્તરે મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓનો સરેરાશ દર 64.6 છે, જેની સરખામણીએ ગુજરાતમાં આ દર માત્ર 22.0 જેટલો નોંધપાત્ર રીતે નીચો છે. આ કેટેગરીમાં ગુજરાત દેશમાં 33મા સ્થાને છે, જે સાબિત કરે છે કે રાજ્ય મહિલાઓ માટે સૌથી સલામત પ્રદેશોમાંનું એક છે. બાળકો વિરૂદ્ધ થતા ગુનાઓમાં પણ દેશના 42.3 સામે ગુજરાતનો ક્રાઈમ રેટ 25.8 છે અને રાજ્ય 29મા ક્રમે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હિંસાત્મક અને મિલકત સંબંધી ગુનાઓમાં મોટી રાહત

ખૂન, દુષ્કર્મ, અપહરણ અને લૂંટ જેવા ગંભીર હિંસાત્મક ગુનાઓમાં દેશની સરેરાશ 52.9 ની સામે ગુજરાતનો રેટ માત્ર 16.6 છે અને રાજ્ય 31મા સ્થાને છે. માનવ શરીરને અસર કરતા ગુનાઓમાં પણ રાષ્ટ્રીય સરેરાશ 62.1 ની સામે ગુજરાત 24.7 ના નીચા દર સાથે 31મા ક્રમે છે. આ ઉપરાંત ચોરી અને ઘરફોડ જેવા મિલકત સંબંધી ગુનાઓમાં ઓલ ઇન્ડિયા રેટ 57.9 સામે ગુજરાતનો રેટ 30.4 નોંધાયો છે.

ગંભીર ગુનાઓનો તુલનાત્મક ઇન્ડેક્સ

વિવિધ કેટેગરીમાં ગુજરાત દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે રહ્યું છે:
ખૂનના ગુના: રાષ્ટ્રીય સરેરાશ 1.9 સામે ગુજરાતનો રેટ માત્ર 1.3 છે (દેશમાં 29મું સ્થાન).
દુષ્કર્મના ગુના: દેશના સરેરાશ દર 4.3 સામે ગુજરાતમાં આ દર ખૂબ ઓછો એટલે કે 1.9 છે (દેશમાં 29મું સ્થાન).
અપહરણ: સમગ્ર ભારતનો સરેરાશ રેટ 6.8 છે, જેની સામે ગુજરાતમાં આ દર માત્ર 1.7 છે (દેશમાં 26મું સ્થાન).
ઘરફોડ ચોરી: ઓલ ઇન્ડિયા ક્રાઈમ રેટ 7.7 ની સામે ગુજરાતમાં આ દર માત્ર 4.1 રહ્યો છે (દેશમાં 27મું સ્થાન).
સમગ્રપણે, 2024નો આ NCRB અહેવાલ દર્શાવે છે કે ગુજરાત પોલીસની સતત સજાગતા અને કડક કાયદાકીય અમલીકરણના લીધે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ જળવાઈ રહ્યો છે.

આ પણ વાંચો: રાજ્ય સરકાર અને મેટા વચ્ચે મહત્વના MoU, હવે વોટ્સએપ પર મળશે 20 થી વધુ સરકારી સેવાઓ

Back to top button