રાજ્ય સરકાર અને મેટા વચ્ચે મહત્વના MoU, હવે વોટ્સએપ પર મળશે 20 થી વધુ સરકારી સેવાઓ

Gujarat WhatsApp Governance: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી “નાગરિક દેવો ભવ:”ની વિભાવનાને સાકાર કરવા માટે ગુજરાત સરકારે ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ‘વન ડે ગવર્નન્સ’થી ‘વોટ્સએપ ગવર્નન્સ’ તરફ પ્રયાણ કરવામાં આવ્યું છે. આ નવીન પહેલના ભાગરૂપે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને મેટા પ્લેટફોર્મ્સ ઇન્ક (Meta Platforms Inc.) વચ્ચે વોટ્સએપ આધારિત સિટીઝન સર્વિસ ડિલિવરી અંગેના એમઓયુ (MoU) સંપન્ન થયા છે. આ કરારથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોના નાગરિકો માટે સરકારી સેવાઓ મેળવવી વધુ સુગમ બનશે.
લાઈનથી ઓનલાઈન
રાજ્ય સરકારે GARCની ભલામણો અનુસાર ‘સુગમ ડિજિટલ ગુજરાત ઈનિસિયેટિવ્ઝ’ હેઠળ પાંચ મુખ્ય વિભાગોની અંદાજે 20 જેટલી નાગરિક કેન્દ્રી સેવાઓ વોટ્સએપ ચેટબોટ મારફતે ઉપલબ્ધ કરાવી છે. મેટા સાથે થયેલા આ કરાર બાદ હવે નાગરિકોએ અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવાની કે સરકારી કચેરીઓમાં રૂબરૂ જઈને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. આગામી સમયમાં નાગરિકો માત્ર એક જ વોટ્સએપ નંબર દ્વારા અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ચેટબોટની મદદથી ઘરે બેઠા પોતાના મોબાઈલ પર જ આ સેવાઓનો લાભ મેળવી શકશે. આ પ્લેટફોર્મ પર જે મુખ્ય સેવાઓ મળવાપાત્ર થશે તેમાં:
ગ્રિવન્સ રેડ્રેસલ (ફરિયાદ નિવારણ સહાય)
આવક, જાતિ અને EWS ના પ્રમાણપત્રો
રેશન કાર્ડ અપડેટ્સ
મહેસૂલ રેકોર્ડ્સ અને સત્તાવાર સોગંદનામા
સમય-ખર્ચની બચત અને રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ
આ પ્રણાલી અમલમાં આવવાથી માત્ર માહિતી જ નહીં, પરંતુ અરજી કરવાથી લઈને પ્રમાણપત્ર મેળવવાની સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ પ્રક્રિયા મોબાઈલ પર થોડા જ ક્લિક્સમાં પૂર્ણ કરી શકાશે. આ ઉપરાંત, અરજીનું રિયલ ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગ પણ થઈ શકશે, જેનાથી વહીવટી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને જવાબદેહી સુદ્રઢ બનશે. તબક્કાવાર રીતે આગામી દિવસોમાં વધુ સરકારી સેવાઓ પણ આ વોટ્સએપ પ્લેટફોર્મ સાથે સાંકળવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ વ્યવસ્થાથી સામાન્ય માનવીના સમય અને ખર્ચ બંનેની મોટી બચત થશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં MoU સંપન્ન
ગાંધીનગરમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના (તાલીમ અને વહીવટી સુધારણા પ્રભાગ) સચિવ હારિત શુક્લા અને મેટાના ડિરેક્ટર તથા હેડ ઓફ પોલિસીઝ અમન જૈન તેમજ કન્ટ્રી ડિરેક્ટર એ. શ્રીનિવાસે આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા અને મુખ્યમંત્રી સમક્ષ દસ્તાવેજોની પરસ્પર આપ-લે કરી હતી. આ ઐતિહાસિક ક્ષણે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે તેમજ સચિવ ડૉ. અજય કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મનોરંજન અને અન્ય ડિજિટલ સેવાઓ આપતું વોટ્સએપ હવે ગુજરાતમાં વહીવટી સુધારાનું એક સબળ માધ્યમ બનવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: ખાણ બંધ થવાની છેલ્લી મિનિટે મળ્યો એવો ખજાનો કે વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા!












