ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSPમાંથી હટાવ્યા, સસરાના સંન્યાસ બાદ એક્શન લેવાઈ

લખનઉ: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી બહાર કરી દીધા છે. આ નિર્ણયની જાણકારી માયાવતીએ સોશિયલ મીડિયા પર 10 મુદ્દાનો નોટ જાહેર કરીને આપી છે. તેમાં તેમણે આકાશ આનંદ અને તેમના સસરા અશોક સિદ્ધાર્થ અંગે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે.

માયાવતીના જણાવ્યા અનુસાર, આકાશ આનંદને અગાઉ 3 સપ્ટેમ્બર 2026ના રોજ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. હવે તેમને પાર્ટીમાંથી પણ સંપૂર્ણપણે મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અશોક સિદ્ધાર્થના રાજીનામા બાદ પણ નારાજગી

આકાશ આનંદના સસરા અશોક સિદ્ધાર્થે બુધવારે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ પહેલાં માયાવતીએ તેમને રાજકીય મહત્વાકાંક્ષા અને વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઊઠીને રાજકારણમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી.

માયાવતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે જો અશોક સિદ્ધાર્થે આ નિર્ણય અગાઉ લીધો હોત તો બસપા, બહુજન સમાજ મૂવમેન્ટ અને આકાશ આનંદને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ન હોત.

‘પાર્ટી કરતાં ખાનગી અને પારિવારિક સ્વાર્થ વધુ’

માયાવતીએ આકાશ આનંદ અને અશોક સિદ્ધાર્થ બંને પર પાર્ટી અને મૂવમેન્ટ કરતાં ખાનગી તથા પારિવારિક સ્વાર્થને વધુ મહત્વ આપવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે બસપાની અંબેડકરવાદી રાજનીતિની પરંપરા વ્યક્તિગત અને પારિવારિક સ્વાર્થથી ઉપર રહીને સંઘર્ષ અને ત્યાગ કરવાની છે. તેમના મતે, પાર્ટીમાં આગળ વધવા માટે કાર્યકરોએ પદ અને વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઊઠવું જરૂરી છે.

આકાશ આનંદે માયાવતીની પોસ્ટ રિપોસ્ટ ન કરી

માયાવતીએ એવો પણ દાવો કર્યો કે અશોક સિદ્ધાર્થના રાજકારણમાંથી નિવૃત્તિ અંગે તેમણે X પર કરેલી પોસ્ટને આકાશ આનંદે રિપોસ્ટ કરી નહોતી.

માયાવતીના જણાવ્યા અનુસાર, આ પહેલાં આકાશ આનંદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પોસ્ટ રિપોસ્ટ કરીને પોતાની વફાદારી દર્શાવતા હતા. પરંતુ આ વખતે તેમણે આવું ન કરતાં તેમના અને તેમના સસરા વચ્ચેના સંબંધોને પાર્ટી કરતાં વધુ મહત્વ આપતા હોવાની છાપ ઊભી થઈ છે.

‘ડબલ માઇન્ડ’ હોવાનો સવાલ ઉઠાવ્યો

માયાવતીએ પોતાના 10 મુદ્દાના નિવેદનમાં આકાશ આનંદની રાજકીય ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જો આકાશ આનંદ પાર્ટી અને મૂવમેન્ટના હિત કરતાં સંબંધો અને પારિવારિક બાબતોને વધુ મહત્વ આપે છે, તો તેઓ ‘ડબલ માઇન્ડ’ રહીને પાર્ટી અને મૂવમેન્ટનું ભલું કેવી રીતે કરી શકે?

આ કારણોસર પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદની જવાબદારીઓમાંથી મુક્ત કર્યા બાદ હવે તેમને બસપામાંથી પણ સંપૂર્ણપણે મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માયાવતીએ જણાવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

યુપી ચૂંટણી પહેલાં બસપામાં મોટો રાજકીય ફેરફાર

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આકાશ આનંદને પાર્ટીમાંથી બહાર કરવાનો નિર્ણય બસપા માટે મોટો આંતરિક રાજકીય ફેરફાર માનવામાં આવી રહ્યો છે.

માયાવતીએ અંતમાં બસપાના કાર્યકરોને વિરોધીઓના વિવિધ રાજકીય દાવપેચોનો સામનો કરીને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ફરીથી બહુમતીની સરકાર બનાવવાના લક્ષ્ય સાથે કામ કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: વટવા GIDCમાં સબસિડીવાળા યુરિયાની કાળાબજારીનો પર્દાફાશ: 857 બોરી ખાતર જપ્ત, 4 સામે કાયદેસરની કાર્યવાહી

Back to top button