નેશનલ

યુપી રાજકારણમાં મોટો ગરમાવો: ભાજપના પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ સમાજવાદી પાર્ટીમાં જોડાયા

Former BJP MP Dharmendra Kashyap joins Samajwadi Party: ઉત્તર પ્રદેશના રાજકારણમાં 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે. આંવલા લોકસભા બેઠકના ભાજપના પૂર્વ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપે ભારતીય જનતા પાર્ટી સાથેના તમામ સંબંધો તોડીને સમાજવાદી પાર્ટી (સપા) નો ખેસ ધારણ કરી લીધો છે. લખનઉ ખાતે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કર્યા બાદ તેમણે વિધિવત રીતે પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું હતું. ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેમનો સપામાં પ્રવેશ ઉત્તર પ્રદેશના રાજકીય સમીકરણો બદલી શકે છે.

પુત્રીને ટિકિટ અપાવવાની તૈયારી

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્ર કશ્યપ પોતાની પુત્રીને સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહ્યા છે. અખિલેશ યાદવ સાથે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન પૂર્વ સાંસદ વીરપાલ સિંહ યાદવ અને જિલ્લા પ્રમુખ શુભલેશ યાદવ પણ ખાસ હાજર રહ્યા હતા. કશ્યપ સમાજના પ્રભાવશાળી નેતા ગણાતા ધર્મેન્દ્ર કશ્યપના આગમનથી રોહિલખંડ વિસ્તારમાં સમાજવાદી પાર્ટીની પકડ વધુ મજબૂત બનવાની ધારણા છે.

‘ટાટા બાય-બાય’ પોસ્ટે જગાવી હતી ચર્ચા

ઉત્તર પ્રદેશમાં ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવ્યા બાદ ધર્મેન્દ્ર કશ્યપની એક સોશિયલ મીડિયા પોસ્ટે ભારે ખળભળાટ મચાવ્યો હતો. રાજ્યસભાની ટિકિટની રેસમાં હોવા છતાં યાદીમાં નામ ન આવતાં તેમણે સોશિયલ મીડિયા પર માત્ર “ટાટા બાય-બાય” લખીને પોસ્ટ કર્યું હતું. જોકે તેમણે પોતાની પોસ્ટમાં ભાજપનું નામ લીધું નહોતું, પરંતુ તેમના આ ટૂંકા સંદેશાથી તેમના આગામી રાજકીય પગલા અંગે અટકળો તેજ થઈ ગઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બે વખત સાંસદ રહ્યા બાદ હવે સપામાં નવો અધ્યાય

ધર્મેન્દ્ર કશ્યપ વર્ષ 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આંવલા બેઠક પરથી જંગી મતોથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. જોકે, વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તે પછી પણ રાજ્યસભા માટે તેમના નામની ભારે ચર્ચા હતી, પરંતુ પસંદગી ન થતાં તેમણે પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. અખિલેશ યાદવ સાથેની મુલાકાતો અને સપા સમર્થકોના ઉત્સાહ વચ્ચે આખરે તેમણે સમાજવાદી પાર્ટીમાં જોડાઈને પોતાની નવી રાજકીય ઈનિંગ શરૂ કરી છે.

આ પણ વાંચો: ગૃહ મંત્રાલયને અવમાનનાની નોટિસ, SC બે દિવસમાં માંગ્યો જવાબ

Back to top button