નેશનલ

નજીકના સંબંધીઓ વચ્ચેના લગ્નો પર સુપ્રીમ કોર્ટની લાલ બત્તી: આવનારી પેઢીના ગંભીર સ્વાસ્થ્ય જોખમો અંગે વ્યક્ત કરી ચિંતા!

Supreme Court Notice To Centre Consanguineous Marriages: નવી દિલ્હી સ્થિત સર્વોચ્ચ અદાલતે નજીકના લોહીના સંબંધીઓ વચ્ચે થતા લગ્નોને કારણે આવનારી પેઢીમાં ઊભા થતા સંભવિત સ્વાસ્થ્ય જોખમો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આવા લગ્નોના સંભવિત નુકસાન વિશે સમાજમાં જાહેર જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટે આ મર્યાદિત પરંતુ સંવેદનશીલ મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

લગ્ન પર પ્રતિબંધ મૂકવો તે સંસદનો અધિકાર

બેંગલુરુની દૃષ્ટિહીન કાયદાની વિદ્યાર્થીની ચાર્વી એસ. દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) માં દલીલ કરવામાં આવી હતી કે તેના માતાપિતા નજીકના સંબંધીઓ હોવાને કારણે તે જન્મજાત આનુવંશિક બીમારીનો ભોગ બની છે. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અદાલત આવા લગ્નો પર સીધો પ્રતિબંધ મૂકી શકે નહીં, કારણ કે કાયદો બનાવીને તેના પર નિર્ણય લેવો એ સંપૂર્ણપણે સંસદના અધિકારક્ષેત્રનો વિષય છે.

લગ્ન વ્યક્તિગત પસંદગી, પરંતુ સ્વાસ્થ્ય પ્રભાવોની જાણકારી જરૂરી

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે અવલોકન કર્યું હતું કે લગ્ન એ દરેક વ્યક્તિની અંગત પસંદગી છે, તેથી કોર્ટ તેના પર પ્રતિબંધ લાદી શકતી નથી, પરંતુ લોકોને આવા નિર્ણયથી થતા સ્વાસ્થ્ય પ્રભાવોની પૂરી જાણકારી હોવી જોઈએ. બેન્ચના અન્ય સભ્ય જસ્ટિસ જોયમલ્યા બાગચીએ પણ જણાવ્યું હતું કે લગ્નના નિર્ણયો સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સાથે લેવા જોઈએ. કોર્ટે કેન્દ્ર સરકારને આ મુદ્દે યોગ્ય કાયદો બનાવવા અથવા શાળા, કોલેજ શિક્ષણ અને અન્ય માધ્યમો દ્વારા જાગૃતિ લાવવા વિચાર કરવા વિનંતી કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દક્ષિણ ભારતમાં 28% સુધીના આવા લગ્નો

અરજદારના વકીલે કોર્ટ સમક્ષ તથ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં નજીકના સંબંધીઓમાં લગ્નોનું પ્રમાણ 28% જેટલું ઊંચું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આનુવંશિક જોખમોથી સાવ અજાણ છે. મુખ્ય ન્યાયાધીશે સૂચન કર્યું હતું કે જાગૃતિ અભિયાનમાં આંગણવાડી કાર્યકરો અને ગ્રામ પંચાયતોને પણ સામેલ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં મુસ્લિમ પર્સનલ લો હેઠળ આવા લગ્નોને માન્યતા મળેલી છે, જ્યારે હિન્દુ લગ્ન કાયદાની કલમ 5(iv) અને 5(v) ચોક્કસ સંબંધોમાં લગ્નને પ્રતિબંધિત કરે છે, સિવાય કે કોઈ સમુદાયની સ્વીકૃત પરંપરા દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હોય.

આ પણ વાંચો: PM મોદીએ CM યોગીને ફોન કરી માતાના નિધન પર વ્યક્ત કર્યો શોક

Back to top button