નેશનલ

પિતાના અપમાનનો બદલો લેવા 20 વર્ષના યુવકે રચ્યું હત્યાનું કાવતરું! દારૂ પીવડાવી 3 કિલોના પથ્થરથી 20 ઘા ઝીંક્યા

Ajmer Murder Case: રાજસ્થાનના અજમેર જિલ્લાના સાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટંકવાસ ગામમાં આ ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસ તપાસ અનુસાર, મૃતક રાકેશ રેગર (35) અને મુખ્ય આરોપી અજય કુમાર રેગરના પિતા સોહનલાલ વચ્ચે દિવાળી પહેલાં કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન સોહનલાલનું અપમાન થયું હોવાનો આરોપ છે. આ ઘટનાથી અજયના મનમાં રાકેશ પ્રત્યે દુશ્મનાવટ ઊભી થઈ હતી. થોડા દિવસો સુધી મનમાં બદલો લેવાની ભાવના રાખ્યા બાદ તેણે પોતાના એક સગીર મિત્ર સાથે મળીને રાકેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. દારૂ પીવડાવવાના બહાને નિર્જન રસ્તા પર લઈ ગયા પોલીસના જણાવ્યા અનુસાર, 17 નવેમ્બરના રોજ સાંજે લગભગ 7:30 વાગ્યે રાકેશ પોતાની બાઇક લઈને ઘરેથી નીકળ્યો હતો. આ દરમિયાન અજય અને તેનો સગીર સાથી તેને દારૂ પીવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયા હતા. ત્રણેય ટંકવાસ ગામથી થોડે દૂર નાઈ કુઇ તરફ જતા ધૂળિયા અને નિર્જન રસ્તા પર પહોંચ્યા હતા. ત્યાં દેશી દારૂ પીવાનું શરૂ કર્યું. આરોપીઓએ રાકેશને વધુ દારૂ પીવડાવ્યો હતો, જેના કારણે તે નશામાં ધૂત થઈ ગયો હતો.

બાઇક પરથી પાડી છાતી પર બેસી પથ્થરથી હુમલો

રાકેશ જ્યારે ત્યાંથી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અજયે તેની બાઇકને લાત મારી તેને નીચે પાડી દીધો હતો. ત્યારબાદ અજય તેની છાતી પર બેસી ગયો અને નજીકમાં પડેલા આશરે ત્રણ કિલોગ્રામ વજનના પથ્થરથી તેના પર હુમલો શરૂ કર્યો હતો. પોલીસના દાવા પ્રમાણે, આરોપીએ રાકેશની છાતી, ચહેરા અને દાઢી પર 15થી 20 જેટલા ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં સગીર સાથીએ પણ મદદ કરી હતી. ગંભીર ઈજાઓ અને વધુ પડતા રક્તસ્રાવને કારણે રાકેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

હત્યાને રોડ અકસ્માત બતાવવાનો પ્રયાસ

હત્યા કર્યા બાદ આરોપીઓએ રાકેશનો મૃતદેહ અને તેની બાઇક ઘટનાસ્થળે જ છોડી દીધાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓનો ઇરાદો એવો હતો કે મૃતદેહ અને બાઇક એકસાથે મળી આવતાં લોકો તેને માર્ગ અકસ્માત સમજે. આટલું જ નહીં, ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ પગપાળા ઘરે ગયા અને સામાન્ય રીતે સૂઈ ગયા હતા. બીજી તરફ, રાકેશ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ મૃતકના ભાઈ નંદલાલ રેગરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને અજય પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.

ફોરેન્સિક તપાસમાં અકસ્માત નહીં, હત્યાનો ખુલાસો

શરૂઆતમાં ઘટનાસ્થળની સ્થિતિને કારણે મામલો અકસ્માત જેવો દેખાતો હતો. જોકે, પોલીસે તપાસમાં કોઈ કચાશ રાખી નહોતી. ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમ, મોબાઇલ ફોરેન્સિક યુનિટ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન રાકેશનું મોત માર્ગ અકસ્માતને કારણે નહીં, પરંતુ ગંભીર હુમલામાં થયેલી ઈજાઓના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ફરિયાદમાં નામજદ આરોપી અજય કુમાર રેગરને અટકાયતમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મુખ્ય આરોપી અજયની ધરપકડ, સગીર મિત્રની અટકાયત

પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન અજયે પોતાના સગીર સાથી સાથે મળીને હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે 20 વર્ષીય અજય કુમાર રેગરની ધરપકડ કરી છે, જ્યારે સગીર સાથીની અટકાયત કરવામાં આવી છે. અજયને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. બીજી તરફ, સગીરને કિશોર ન્યાય બોર્ડ સમક્ષ રજૂ કર્યા બાદ બાળગૃહમાં મોકલવામાં આવ્યો હતો. હાલ અજમેર પોલીસ દ્વારા આ સમગ્ર હત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પૂર્વાંચલ એક્સપ્રેસવે પર માર્ગ અકસ્માત, એમ્બ્યુલન્સ અને પિકઅપ વચ્ચે ટક્કર, 5ના મોત

Back to top button