ટ્રેન્ડિંગમનોરંજન

AI મોર્ફ્ડ વીડિયો વિવાદ પર જાહ્નવી કપૂરનો આક્રોશ, કહ્યું- મહિલાની મર્યાદા સાથે રમત નહીં

Janhvi AI Video : અભિનેત્રી જાહ્નવી કપૂર Janhvi Kapoor)નો AIની મદદથી બનાવવામાં આવેલો કથિત આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે વિવાદ ઊભો થયો છે. ‘દેવરા: પાર્ટ 1’ના લોકપ્રિય ગીત ‘ચુટ્ટામલ્લે’માં જોવા મળેલા જાહ્નવીના લુકનો ઉપયોગ કરીને વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે અભિનેત્રીએ આ સમગ્ર મામલે ખુલીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

જાહ્નવીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લાંબી પોસ્ટ શેર કરીને AI ટેક્નોલોજીના દુરુપયોગ સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે કોઈ મહિલાની મંજૂરી વગર તેની બોડી અથવા તસવીર સાથે છેડછાડ કરવી એ માત્ર મજાક નથી, પરંતુ ગંભીર પ્રકારની હેરાનગતિ છે. અભિનેત્રીએ આ પ્રકારના કૃત્યને યૌન શોષણ (Sexual Assault) સાથે સરખાવ્યું છે.

‘મહિલાની સંમતિ સૌથી મહત્વની’

જાહ્નવીએ પોતાની પોસ્ટમાં સંમતિ (Consent) અને વ્યક્તિગત મર્યાદા (Personal Boundaries) અંગે પણ સ્પષ્ટ વાત કરી હતી. તેમણે કહ્યું કે કોઈ મહિલા એક સમયે કોઈ બાબત માટે સંમત હોય તેનો અર્થ એ નથી કે તે દરેક સમયે સંમત છે. તેમણે સમજાવ્યું કે જો કોઈ મહિલા કોઈ બાબત માટે વારંવાર ‘હા’ કહે અને ત્યારબાદ ‘ના’ કહે, તો તેની ‘ના’નું પણ સન્માન કરવું જરૂરી છે. મહિલાની બોડી, પસંદગી અને મર્યાદા અંગે નિર્ણય લેવાનો અધિકાર માત્ર તેને જ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કપડાંને સંમતિ સાથે જોડવા સામે વાંધો

જાહ્નવીએ મહિલાઓના કપડાંને લઈને બનતી માનસિકતા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કોઈ મહિલા ટૂંકા કપડાં પહેરે છે તેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિને તેની મંજૂરી વગર તેનો વીડિયો બનાવવાનો કે તેની બોડી સાથે ખોટી રીતે છેડછાડ કરવાનો અધિકાર મળી જાય છે. અભિનેત્રીએ કહ્યું કે મહિલાઓને વાસ્તવિક દુનિયામાં પોતાની સુરક્ષા અને મર્યાદા માટે સંઘર્ષ કરવો પડે છે, ત્યારે હવે આ જ સમસ્યા ડિજિટલ દુનિયામાં પણ ગંભીર બની રહી છે..

જુનિયર NTR સહિત સેલેબ્સનો આભાર

આ મામલે સાઉથના સુપરસ્ટાર જુનિયર NTR (Junior NTR)એ પણ AIના ખોટા ઉપયોગ સામે અવાજ ઉઠાવ્યો હતો. જાહ્નવીએ તેમની જાહેરમાં સમર્થન આપવા બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે જ્યારે મોટી સંખ્યામાં લોકોના પ્રભાવ ધરાવતી વ્યક્તિ આવા મુદ્દા પર સ્ટેન્ડ લે છે, ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરી રહેલી અન્ય મહિલાઓને પણ હિંમત મળે છે. જાહ્નવીએ અભિનેતા ચિરંજીવી (Chiranjeevi), વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને ખુશ્બુ સુંદર (Khushbu Sundar)નો પણ સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો.

જાહ્નવીએ પૂછ્યો સીધો સવાલ

પોતાની પોસ્ટના અંતમાં જાહ્નવીએ આ પ્રકારની હરકતો કરનારા લોકોને સવાલ કર્યો કે શું કોઈ મહિલાને માત્ર એક માણસ તરીકે સન્માન આપવાની અપેક્ષા રાખવી પણ વધારે છે? તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ મહિલાની બોડી, ઇમેજ, પસંદગી અને વ્યક્તિગત મર્યાદા પર તેનો પોતાનો અધિકાર છે. ‘ચુટ્ટામલ્લે’ ગીત ‘દેવરા: પાર્ટ 1’ ફિલ્મનું લોકપ્રિય ગીત છે, જેને અનિરુદ્ધ રવિચંદરે (Anirudh Ravichander) કમ્પોઝ કર્યું હતું. આ વિવાદ બાદ AIના દુરુપયોગ અને ડિજિટલ પ્રાઇવસી (Digital Privacy) અંગે ફરી ચર્ચા તેજ બની છે.

Back to top button