ગોલ્ડ મેડાલિસ્ટ અધિકારીના હાથમાં દિશા સાલિયાન કેસની કમાન, જાણો કોણ છે CBI ઓફિસર સીમા પાહુજા

Disha Salian case: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુ કેસમાં સીબીઆઈએ તપાસ વધુ તેજ કરી છે. CBI દ્વારા એફઆઈઆર નોંધ્યાના થોડા દિવસો બાદ, તપાસ એજન્સીની સીનિયર અધિકારી સીમા પાહુજા હવે આ કેસની કરશે.
દિશા સાલિયાનનું ૮ જૂન, ૨૦૨૦ના રોજ મુંબઈના માલાડ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતના ૧૪મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના થોડા દિવસ બાદ જ સુશાંત સિંહ રાજપૂતનું પણ મૃત્યુ થયું હતું, જેના કારણે બંને કેસ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ એફઆઈઆર દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાનની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. દાખલ કરેલી એફઆઈઆરમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરે અને એક્ટર ડિનો મોરિયા સહિત અનેક લોકોના નામ સામેલ છે.
કોલકાતા RG કર અને હાથરસ રેપ કેસનો હિસ્સો રહ્યા છે સીમા પાહુજા
સીમા પાહુજા હાલમાં દિલ્હીના સીબીઆઈ હેડક્વાર્ટરના સ્પેશિયલ ક્રાઈમ યુનિટમાં સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસના પદ પર તહેનાત છે. પાહુજાને અટપટા ક્રાઈમ કેસ અને ફોરેન્સિક પુરાવાઓની તપાસનો ખાસ અનુભવ છે, જેમાં અનેક હાઈ પ્રોફાઈલ અને સંવેદનશીલ કેસ પણ સામેલ છે. પાહુજા આરજી કર હોસ્પિટલ રેપ અને મર્ડર કેસની તપાસનો હિસ્સો હતા. આ ઉપરાંત યુપીના હાથરથ કેસની તપાસ ટીમમાં પણ સામલે હતા. ત્યારબાદ ઉન્નાવ રેપ કેસની તપાસનો પણ તેઓ ભાગ રહી ચૂક્યા છે. સીબીઆઈએ પાહુજાને હિમાચલ પ્રદેશના ચર્ચિત ગુડિયા કેસની તપાસની જવાબદારી પણ સોંપી હતી. પાહુલા શિમલામાં એક સગીરાના કેપ અને મર્ડર કેસની તપાસનો પણ હિસ્સો હતા. ૨૦૨૧માં તેમને બેસ્ટ ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસરના રૂપમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો.
ફરી થશે કેસની તપાસ
હવે સીબીઆઈએ દિશા સાલિયાન કેસમાં એફઆઈઆર નોંધ્યા બાદ તપાસ સંભાળી છે. બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ બાદ આ કેસમાં નવી તપાસ શરૂ થઈ છે. સીબીઆઈ અગાઉની તપાસના દસ્તાવેજો, સંબંધિત લોકોના નિવેદનો અને કેસ સાથે જોડાયેલા અન્ય પાસાંની ફરી તપાસ કરશે.
આગલી રાતની પાર્ટીમાં હાજર લોકોના નિવેદનો લેવાશે
અહેવાલો અનુસાર તપાસ દરમિયાન દિશાના મૃત્યુની આગલી રાતે પહેલાં તેના ફિયાન્સ રોહન રોયના ઘરે યોજાયેલી પાર્ટીમાં હાજર રહેલા લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી શકે છે. આ ઉપરાંત અગાઉની તપાસમાં થયેલી કામગીરી અને તપાસના વિવિધ પાસાંની પણ સમીક્ષા કરવામાં આવશે.












