વો શેર થા, મેં ઉનકા હર વાદા નિભાઉંગી: તિરંગામાં લપેટાયેલા પતિને પાર્થિવ દેહને વિદાય આપતી પત્ની

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના સોનકચ્છ વિસ્તારના પોલાય જાગીર ગામમાં દેશની રક્ષા કરતા જીવ ગુમાવનાર જવાન પવન યાદવને ભારે હૃદયે અંતિમ વિદાય આપવામાં આવી. પવન યાદવની રજા મંજૂર થઈ ગઈ હતી અને તેઓ માત્ર એક દિવસ બાદ ઘરે પરત ફરવાના હતા. પરિવારને આશા હતી કે ટૂંક સમયમાં દીકરો ઘરે આવશે, પરંતુ નિયતિને કંઈક અલગ જ મંજૂર હતું. 17 નવેમ્બરે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ફરજ દરમિયાન ઊંચાઈ પરથી પડી જવાથી તેમનું નિધન થયું હતું.
અંતિમ ક્ષણોમાં પત્ની સાથે કરી હતી વાત
પરિવારજનોના જણાવ્યા અનુસાર, પવન યાદવની રજા મંજૂર થઈ ગઈ હતી અને તેઓ એક દિવસ બાદ ઘરે આવવાના હતા. નિધનના થોડા કલાકો પહેલાં જ સવારે તેમણે પત્ની શોભા યાદવ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે પરિવારના સભ્યોના ખબરઅંતર પૂછ્યા હતા અને બાળકો વિશે પણ જાણકારી મેળવી હતી.
પરિવારને ક્યાં ખબર હતી કે પવન સાથેની આ વાતચીત તેમની છેલ્લી વાતચીત સાબિત થશે. જે ઘરમાં તેમના આગમનની રાહ જોવાઈ રહી હતી, ત્યાં હવે તેમની પાર્થિવ દેહ પહોંચ્યો હતો.
ગામમાં ઉમટી પડ્યું જનમેદનીનું ઘોડાપૂર
ગુરુવારે સાંજે પવન યાદવની પાર્થિવ દેહ ગામમાં પહોંચતાં જ અંતિમ દર્શન માટે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી. ગામમાં ઘરોની બહાર રંગોળી બનાવવામાં આવી હતી, તિરંગા લગાવવામાં આવ્યા હતા અને ‘પવન યાદવ અમર રહો’ના નારા ગુંજી ઉઠ્યા હતા.
આખું ગામ પોતાના વીર સપૂતને અંતિમ વિદાય આપવા એકત્ર થયું હતું. દરેકની આંખોમાં આંસુ અને હૃદયમાં પોતાના ગામના જવાનને ગુમાવવાનું દુઃખ હતું.
સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર
ગુરુવારે મોડી સાંજે પવન યાદવના અંતિમ સંસ્કારની પ્રક્રિયા સૈન્ય સન્માન સાથે શરૂ કરવામાં આવી હતી. ઘરે અંતિમ દર્શન બાદ પોલીસ જવાનોએ તેમને સલામી આપી હતી. ત્યારબાદ સાંજે આશરે 7:30 વાગ્યે સેનાના વાહનમાં તેમની પાર્થિવ દેહને ઘરથી લગભગ અડધા કિલોમીટર દૂર ખેતરમાં બનાવવામાં આવેલા અંતિમ સંસ્કાર સ્થળે લઈ જવામાં આવી હતી.
ત્યાં સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના મોટા પુત્ર સહિત પરિવારના અન્ય સભ્યોએ મુખાગ્નિ આપી હતી. આ સમયે તેમનો નાનો પુત્ર પણ પરિવાર સાથે હાજર હતો.
પત્નીએ કહ્યું- ‘મારા પતિ શેર હતા, હું આંસુ નહીં વહાવું’
પતિની પાર્થિવ દેહ પાસે ઊભેલાં પત્ની શોભા યાદવે દુઃખની આ ઘડીમાં અદમ્ય હિંમત દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પતિ શેર હતા અને તેઓ આંસુ નહીં વહાવે, પરંતુ પતિને ગૌરવ અને સન્માન સાથે વિદાય આપશે. તેમણે પતિ સાથે કરેલા વચનો પણ પૂર્ણ કરવાની વાત કહી હતી.
શોભાના આ શબ્દોએ ત્યાં હાજર સૌને ભાવુક કરી દીધા હતા.
14 વર્ષથી વધુ સમય દેશની સેવા કરી
પવન યાદવે દેશની સેવામાં 14 વર્ષ અને 5 મહિના સમર્પિત કર્યા હતા. તેઓ પોતાની પાછળ પિતા ચતર સિંહ યાદવ, માતા, મોટા ભાઈ પંકજ, બહેન, પત્ની શોભા અને બે પુત્રોને છોડી ગયા છે. તેમના એક પુત્રની ઉંમર 11 વર્ષ અને બીજા પુત્રની ઉંમર 7 વર્ષ છે.
પવનને ક્રિકેટનો પણ ખાસ શોખ હતો. તેઓ આસપાસનાં ગામો અને શહેરોમાં યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હતા. તેમના સાથી ખેલાડીઓના જણાવ્યા અનુસાર, તેઓ સારા ઓલરાઉન્ડર હતા અને અનેક સ્પર્ધાઓમાં પોતાની ટીમનું નેતૃત્વ પણ કરી ચૂક્યા હતા.
શહીદનો દરજ્જો અને એક કરોડની સહાયની માંગને લઈને હોબાળો
પવન યાદવના અંતિમ સંસ્કાર પહેલાં તે સમયે વાતાવરણ તંગ બન્યું હતું, જ્યારે સોનકચ્છના ધારાસભ્ય ડૉ. રાજેશ સોનકર સહિતના જનપ્રતિનિધિઓને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
વિરોધ કરી રહેલા લોકોની માંગ હતી કે પવન યાદવને શહીદનો દરજ્જો આપવામાં આવે અને તેમના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે. આ માંગને લઈને ભારે હોબાળો થયો હતો.
ધારાસભ્ય રાજેશ સોનકરે કોંગ્રેસના નેતા પર લગાવ્યા આક્ષેપ
આ સમગ્ર ઘટનાક્રમ બાદ શુક્રવારે બપોરે સોનકચ્છના ધારાસભ્ય ડૉ. રાજેશ સોનકરે દેવાસ સ્થિત પોતાની કચેરીમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે સમગ્ર વિવાદ માટે પૂર્વ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જન સિંહ વર્મા તથા તેમના સમર્થકોને જવાબદાર ઠેરવ્યા હતા.
એક તરફ દેશની સેવા કરતાં જીવ ગુમાવનાર જવાનને ગુમાવવાનું દુઃખ છે, તો બીજી તરફ તેમના પરિવારને યોગ્ય સન્માન અને સહાય મળે તેવી માંગ પણ ઉઠી રહી છે. પવન યાદવની વિદાયે આખા ગામને શોકમાં ડુબાડી દીધું છે.
આ પણ વાંચો: દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈ અમદાવાદમાં હાઈ એલર્ટ! મોદી સ્ટેડિયમમાં 1300થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત












