ટ્રેન્ડિંગનેશનલ

મૂક-બધિર મહિલા અને 16 વર્ષની ચુપ્પી… મુંબઈમાં સામે આવી સીરિયલ યૌન શોષણ અને બ્લેકમેલિંગની ચોંકાવનારી કહાણી

મુંબઈ: 21 ડિસેમ્બર, 2025: મુંબઈમાંથી માનવતાને શરમાવી દેતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મૂક-બધિર (સાંભળવામાં અને બોલવામાં અસમર્થ) મહિલાએ 16 વર્ષ સુધી સહન કર્યા બાદ હિંમત બતાવીને એક સીરિયલ યૌન અપરાધીનો પર્દાફાશ કર્યો છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મહેશ પવારની 13 ડિસેમ્બરે ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે, આરોપીએ વર્ષો સુધી વિકલાંગ મહિલાઓને નિશાન બનાવી તેમનું શોષણ કર્યું હતું.

16 વર્ષ પછી કેવી રીતે બહાર આવ્યું સત્ય?

પીડિતાએ વર્ષ 2009માં તેની સાથે થયેલા અત્યાચારની વાત ત્યારે કરી જ્યારે તેના જ સમુદાયની અન્ય એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનાથી હચમચી ગયેલી પીડિતાએ વીડિયો કૉલ દ્વારા સાંકેતિક ભાષામાં પોતાના મિત્રોને જણાવ્યું કે વર્ષો પહેલા મહેશ પવારે તેની સાથે શું કર્યું હતું.

શું હતી ઘટના?

જુલાઈ 2009માં પીડિતા સગીર હતી ત્યારે તેની એક બહેનપણી તેને સાંતાક્રુઝ સ્થિત મહેશ પવારના ઘરે લઈ ગઈ હતી. ત્યાં તેને નશાવાળું પીણું પીવડાવીને બેભાન કરવામાં આવી અને ત્યારબાદ આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આરોપીએ આ કૃત્યનો વીડિયો ઉતારી લીધો હતો અને છેલ્લા 16 વર્ષથી તે વીડિયો દ્વારા પીડિતાને બ્લેકમેલ કરી રહ્યો હતો.

હિંમત અને ન્યાયની લડત

પીડિતાએ સૌથી પહેલા તેના પતિને આ વાત જણાવી. ત્યારબાદ ‘થાણે ડેફ એસોસિએશન’ અને અન્ય સામાજિક કાર્યકરો તેમજ સાંકેતિક ભાષાના દુભાષિયા (Interpreter) મધુ કેનીની મદદથી તે કુરાડ પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસે દુભાષિયાની મદદથી ઇન-કેમેરા નિવેદન નોંધ્યું અને ગણતરીના કલાકોમાં જ આરોપીને પાલઘરના વિરાર વિસ્તારમાંથી ઝડપી લીધો.

24થી વધુ મહિલાઓ હોઈ શકે છે શિકાર

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આરોપી મૂક-બધિર મહિલાઓના વાંધાજનક વીડિયો બનાવી તેમને બ્લેકમેલ કરતો અને તેમની પાસેથી સોનું, રોકડ અને મોબાઈલ પડાવતો હતો. પ્રાથમિક તપાસમાં 7 મહિલાઓના નામ સામે આવ્યા છે, પરંતુ પોલીસને આશંકા છે કે આ સંખ્યા 24 થી વધુ હોઈ શકે છે.

માનસિક ત્રાસ

આરોપી મહિલાઓને ન્યૂડ વીડિયો કૉલ કરવા મજબૂર કરતો અને તે રેકોર્ડ કરી ફરી બ્લેકમેલ કરતો હતો. હાલમાં આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે. દુભાષિયા મધુ કેનીના જણાવ્યા અનુસાર, અન્ય ઘણી મહિલાઓ પણ હવે હિંમત ભેગી કરી રહી છે અને ટૂંક સમયમાં તેઓ પણ ફરિયાદ કરવા આગળ આવી શકે છે.

Back to top button