ઈર્ષ્યા અને ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ… ગર્લફ્રેન્ડે પ્રેમીની છરીના ઘા ઝીંકી કરી હત્યા, આપઘાત બતાવવા પોતાને પણ પહોંચાડી ઈજા
મહારાષ્ટ્ર: 5 ડિસેમ્બર, 2025: Maharashtra Crime: મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક યુવતીએ પોતાના પ્રેમીની છરીના ઘા મારીને હત્યા કરી દીધી. હત્યા પછી તેણે આત્મહત્યા દર્શાવવા માટે પોતાને પણ ઈજા પહોંચાડી હતી. પોલીસે પ્રેમિકા વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. હાલમાં પ્રેમિકાને સારવાર માટે નાગપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તબિયત સુધરતા તેની ધરપકડ કરવામાં આવશે.
ઈર્ષ્યા અને ઝઘડાનું પરિણામ
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૃતકનું નામ બાલાજી કલ્યાણે છે, જે મૂળ નાંદેડનો રહેવાસી હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નાગપુરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. બાલાજીનો 25 વર્ષની રતિ દેશમુખ સાથે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. રતિ પણ નાંદેડની રહેવાસી છે અને શહેરમાં બીએએમએસ (BAMS)નો અભ્યાસ કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી બાલાજીને શંકા હતી કે, રતિ અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમસંબંધ ધરાવે છે. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે રતિ બાલાજીના રૂમ પર પહોંચી હતી. રાત્રે લગભગ ત્રણ વાગ્યે રતિએ છરી વડે બાલાજીના ગળા પર ચારથી પાંચ વાર હુમલો કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
હત્યા બાદ ‘બચાવો-બચાવો’નો પોકાર
બોયફ્રેન્ડની હત્યા કર્યા પછી રતિએ જોર-જોરથી ‘બચાવો-બચાવો’ની બૂમો પાડવાનું શરૂ કર્યું, જેથી કોઈને તેના પર શંકા ન જાય. રતિનો અવાજ સાંભળીને બીજા રૂમમાં સૂતેલા બાલાજીના મિત્રો જાગી ગયા અને તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા.બાલાજીના મિત્રો બંનેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડૉક્ટરે બાલાજીને મૃત જાહેર કર્યો. ઈજાગ્રસ્ત રતિની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે પ્રેમિકા રતિ દેશમુખ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે અને હોસ્પિટલમાંથી રજા મળતા જ તેની ધરપકડ કરવામાં આવશે.












