ટ્રેન્ડિંગનેશનલમીડિયા

લવ મેરેજ; કરોડોની સંપત્તી અને સુસાઈડ નોટ…આ રીતે ખતમ થયો રીચ બિઝનેસમેનનો પૂરો પરિવાર

ઉત્તર પ્રદેશ, 27 ઓગસ્ટ 2025:  ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 35 વર્ષના કરોડપતિ વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી. આ સમાચાર ફેલાતાં જ શહેરમાં સનસનાટી મચી ગઈ. વેપારી સચિન ગ્રોવરની પત્નીએ આ ભયાનક પગલું ભરતા પહેલાં પોતાની માતાને WhatsApp પર 36 પાનાંનું સુસાઇડ નોટ મોકલ્યું હતું. આ સુસાઇડ નોટમાં આત્મહત્યાનું કારણ જણાવવામાં આવ્યું છે.

શાહજહાંપુરનો પોશ વિસ્તાર અને કરોડોનું ઘર

ઘટના શાહજહાંપુરના પોશ વિસ્તાર દુર્ગા એન્ક્લેવની છે. અહીં 35 વર્ષના સચિન ગ્રોવર પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ શહેરના કરોડપતિ વેપારીઓમાં ગણાતા હતા. સચિનના પિતા વિજય કુમારનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયું હતું. સચિન પોતાની માતા અને બે ભાઈઓ સાથે ઘરમાં રહેતા હતા. તેમનું 2200 સ્ક્વેર ફીટનું બે માળનું ઘર હતું. આઠ વર્ષ પહેલાં સચિને ઘરની સામે જ રહેતી પોતાની ગર્લફ્રેન્ડ શિવાંગી (30) સાથે લવ મેરેજ કર્યું હતું.

પરિવારનું વિભાજન અને વ્યવસાય

લગ્ન બાદ સચિન ઘરના પહેલા માળે શિફ્ટ થઈ ગયા હતા, જ્યારે બાકીનો પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો હતો. સચિનના ઘરની કિંમત કરોડોમાં હતી. સચિનના બંને ભાઈ રોહિત અને ગૌરવનાં પણ લગ્ન થઈ ચૂક્યાં છે. સચિનના શહેરમાં ‘પાનીપત હેન્ડલૂમ’ નામે બે શોરૂમ હતા. તેમના બંને ભાઈ પણ હેન્ડલૂમના જ વ્યવસાયમાં હતા.

આત્મહત્યાની ઘટના

બુધવારે સચિનના ઘરમાં કોઈ હલચલ ન થતાં પરિવારને શંકા ગઈ. તેમણે બારીમાંથી ડોકિયું કરતાં સચિન અને શિવાંગીના શવ ફાંસીએ લટકતા જોવા મળ્યા. શિવાંગીનું શવ બેડરૂમમાં હતું, જ્યારે સચિનનું શવ ડ્રોઇંગ રૂમમાં લટકતું હતું. ઉતાવળમાં દરવાજો તોડવામાં આવ્યો. પરિવારે જોયું કે બીજા રૂમમાં 4 વર્ષના માસૂમ ફતેહનું શવ પણ પડેલું હતું. તાકીદે ત્રણેયને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

36 પાનાંના સુસાઇડ નોટમાં શું લખ્યું?

પોલીસે ત્રણેય શવોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને કેસની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃત્યુ પહેલાં સચિનની પત્ની શિવાંગીએ તેની માતાને WhatsApp પર 36 પાનાંનું સુસાઇડ નોટ મોકલ્યું હતું. તેમાં લખ્યું હતું, “મારા કારણે તમે લોકો પરેશાન રહો છો. હવે તમે લોકો આરામથી રહો.” નોટમાં આર્થિક મુશ્કેલીઓ અને દેવાની વાત કરવામાં આવી છે. ઘર અને ગાડીના દેવાનો ઉલ્લેખ કરાયો છે.

ભાભીએ જણાવી પાછલા દિવસની વાત

વેપારી સચિનની ભાભી જ્યોતિએ જણાવ્યું, “મંગળવારે સાંજે અમે બજારમાંથી આવ્યા ત્યારે દિયર અને દેરાણી પોતાના બાળક સાથે ખૂબ મસ્તી કરી રહ્યા હતા. ક્યાંયથી કોઈ તણાવ જેવું કશું દેખાતું નહોતું. એટલે સુધી કે તેઓ મારી પાસેથી મોબાઈલનો ચાર્જર માંગીને લઈ ગયા હતા. ખબર નથી તેમણે આ ક્યારે, કેવી રીતે અને કેમ કર્યું? ત્રણેયના અવસાનથી અમે બધા આઘાતમાં છીએ. સૌથી વધુ આઘાતમાં તો સચિનની માતા છે. તેમને તો વિશ્વાસ જ નથી થતો કે તેમનો દીકરો, વહુ અને પૌત્ર હવે આ દુનિયામાં નથી.”

આ પણ વાંચો : અચાનક રાજીનામા પછી શું કરી રહ્યા છે ધનખડ! પત્ની વારંવાર કેમ જાય છે રાજસ્થાન?

Back to top button