
લંડન, 30 જુલાઇ, 2025: ભારતીય મૂળના જાણીતા બ્રિટિશ અર્થશાસ્ત્રી, રાજકારણી-લેખક અને યુકેના હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું 85 વર્ષની ઉંમરે લંડનમાં નિધન થયું છે. તેમણે લગભગ ચાર દાયકા સુધી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષણ આપ્યું હતું. તેમનો જન્મ 10 જુલાઈ-1940ના રોજ વડોદરા, ગુજરાતમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી મેળવી. તેમણે યુએસએમાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ (PhD) પૂર્ણ કર્યું હતું. આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંજુ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
મેઘનાદ દેસાઈ હતા અનેક વિષયોના વિદ્વાન
તેઓ માર્ક્સવાદી અર્થશાસ્ત્ર, રાજકીય અર્થતંત્ર, નાણાકીય નીતિ અને આર્થિક ઇતિહાસ જેવા વિષયોના વિદ્વાન હતા. તેઓ મુંબઈમાં સ્થિત મેઘનાદ દેસાઈ એકેડમી ઑફ ઇકોનોમિક્સ (MDAE)ના સ્થાપક અધ્યક્ષ પણ હતા, જે એક અનુસ્નાતક સંસ્થા છે. તેમજ તેઓ 1965થી 2003 સુધી લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ (LSE)માં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે LSE ખાતે સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ગ્લોબલ ગવર્નન્સ અને ડેવલપમેન્ટ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મેઘનાદ દેસાઈ 1971થી બ્રિટિશ લેબર પાર્ટીના સક્રિય સભ્ય રહ્યા છે. તેમને 1991માં લોર્ડ દેસાઈ ઓફ સેન્ટ ક્લેમેન્ટ ડેન્સ તરીકે લાઈફ પીયરેજ અપાયું હતું અને તેઓ બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય બન્યા હતા. તેમણે 2011માં હાઉસ ઓફ લોર્ડ્સમાં લોર્ડ સ્પીકરના પદ માટે પણ અસફળતાપૂર્વક ઉમેદવારી નોંધાવી હતી.
ભગવદ્ ગીતા અને મહાભારત પર અનોખો દ્રષ્ટિકોણ
મેઘનાદ દેસાઈએ 20થી વધુ પુસ્તકો અને 200થી વધુ શૈક્ષણિક લેખો લખ્યા છે. તેમણે ભારતીય મહાકાવ્યો, જેમ કે ભગવદ્ ગીતા અને મહાભારત, પર પણ તેમના અનોખા દૃષ્ટિકોણ સાથે પુસ્તકો લખ્યા છે.
આ પણ વાંચોઃ સોનાની માંગ મામલે ભારતે ચીનને પછાડ્યુ, જાણો કોની પાસે છે વધુ સોનું












