ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

સોનાની માંગ મામલે ભારતે ચીનને પછાડ્યુ, જાણો કોની પાસે છે વધુ સોનું

નવી દિલ્હી, 30 જુલાઇ, 2025: ભારતે ચીનને સોનાની માંગ મામલે પછાડ્યું છે. વિશ્વભરમાં સોનાના ભાવ આસમાને સ્પર્શી રહ્યા છે, તેમ છતાં ભારતમાં સોનાની ખરીદીમાં વધારા થઇ રહ્યો છે. ચીનમાં ગોલ્ડની ખરીદી ઘટતા અર્થવ્યવસ્થા નબળી પડી હોવાના સંકેત મળી રહ્યા છે તો બીજી બાજુ ભારતમાં વાર્ષિક સોનાનો વપરાશ 800 ટનથી વધુ નોંધાયો છે, જે ચીન કરતા બમણો છે. ચીનમાં 2013ની સરખામણીમાં વપરાશમાં 49 ટકાનો ઘટાડો થયો છે. આનું કારણ સોનાની ઊંચી કિંમત અને ચીનની નબળી પડી રહેલી અર્થવ્યવસ્થા હોવાનું મનાય છે.

27 જૂન 2025ના રોજ RBI પાસે સોનાનો ભંડાર 879.8 ટન 

27 જૂન, 2025 મુજબના ડેટા મુજબ ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસે સોનાનો ભંડાર 879.8 ટન છે. 18 જુલાઈ સુધીમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો વધીને 12.1 ટકા થયો છે, જે એક વર્ષ પહેલા 8.9% હતો. 2024માં પણ ભારતે સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો કરી 72.6 ટન ખરીદ્યું છે.

ડિસેમ્બર 2024 સુધીના જેટા મુજબ ચીન પાસે સોનાનો ભંડાર 2279.6 ટન છે. ચીને 2024માં 44.17 ટન સોનું ઉમેર્યું હતું. જોકે, તેણે 2023માં 224.9 ટન અને 2022માં 62.2 ટન ઉમેર્યા બાદ ત્યાં ખરીદીમાં ઘટાડો થયો છે. જાન્યુઆરી 2025 મુજબ ચીનનું સત્તાવાર સોનાનું હોલ્ડિંગ 2,280 ટન પર પહોંચ્યું હતું. કેટલાક અહેવાલો મુજબ, ફેબ્રુઆરી 2025માં ચીનનો સોનાનો ભંડાર 2292.31 ટન હતો.

ચીનમાં 2024માં સોનાનો વપરાશ ઘટીને 479 ટન થવાની ધારણા

ચીનના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિસર્ચ હેડ રે જિયાના જણાવ્યા અનુસાર, ચીનમાં સોનાની માંગમાં ઘટાડો થયો છે પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ ઝવેરાતની ખરીદીમાં વધારો થયો છે. 2001થી 2013 દરમિયાન ચીનમાં સોનાનો વપરાશ 362 ટકા વધ્યો હતો, પરંતુ 2013થી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 2013માં ચીનમાં સોનાનો વપરાશ 939 ટન હતો, જે 2024માં ઘટીને માત્ર 479 ટન થવાની ધારણા છે. ચીનમાં સોનાનો વપરાશ ઘટી રહ્યો છે, પરંતુ ભાવ વધવા છતાં ભારતમાં તેની માંગ ઝડપથી વધી રહી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, 2025ના પ્રથમ ક્વાર્ટરમાં ચીની ગ્રાહકોએ લગભગ એક લાખ કરોડ રૂપિયાના સોનાના દાગીના ખરીદ્યા હતા. આ આંકડો પાછલા ક્વાર્ટર કરતા 29 ટકા વધુ છે પરંતુ 2024ના પ્રથમ ક્વાર્ટર કરતા ઓછો છે.

ભારતમાં રોકાણ તરીકે સોનાની માંગમાં વધારો

ભારતમાં 19 જુલાઈ સુધીમાં સોનાના ભાવમાં 28 ટકાનો વધારો થયો છે અને ઊંચા ભાવ-સિઝનલ સુસ્તીને કારણે ઝવેરાતના વેચાણમાં ઘટાડો થયો છે. જ્યારે રોકાણ તરીકે સોનાની માંગમાં વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લિસ્ટેડ જ્વેલરી કંપનીઓની આવકમાં 10 ટકાનો વધારો થયો છે, અને ગોલ્ડ ETFમાં રોકાણ પણ વધી રહ્યું છે.

આ પણ વાંચોઃ શ્રાવણમાં ભગવાન શિવની આવી તસવીર ઘરમાં કદી ન લગાવતા

Back to top button