મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન: કાટમાળ નીચે ઘરો દટાતાં 7 લોકોના મોત, 7 ઘાયલ

Kurla Landslide: મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે બુધવારે વહેલી સવારે એક મોટી હોનારત સર્જાઈ હતી. કુર્લા પશ્ચિમના ચિરાગ નગર વિસ્તારમાં પહાડી ધસી પડવાના કારણે અનેક ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ કરુણ દુર્ઘટનામાં 2 માસૂમ બાળકો સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 7 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બચાવ ટીમોએ તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા છે, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
મધ્યરાત્રિએ કાળ ત્રાટક્યો
આ દુર્ઘટના બુધવારે વહેલી સવારે 3:00 થી 3:48 વાગ્યાના સમયગાળા દરમિયાન ઘટી હતી. કુર્લાના ચિરાગ નગરમાં રાઠોડ મેડિકલ નજીક આવેલી ગૌશિયા ચાલ અને ઘાટકોપર પોલીસ સ્ટેશનની હદમાં આવતા અશોક નગર વિસ્તારમાં અવિરત વરસાદના કારણે ટેકરીનો મોટો ભાગ ધસી પડ્યો હતો. મધ્યરાત્રિનો સમય હોવાથી અને લોકો ગાઢ નિંદ્રામાં હોવાના કારણે તેમને બચવાનો કોઈ મોકો મળ્યો નહોતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ત્વરિત ધોરણે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
કાટમાળમાંથી 7 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરાયેલા બચાવ કાર્ય દરમિયાન કાટમાળમાંથી 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં 14 વર્ષીય મોહમ્મદ સમીર અંસારી, 19 વર્ષીય સાહિલ હુસૈન અબ્દુલ કાઝી, 45 વર્ષીય અજાણ્યો પુરુષ, 2 વર્ષીય અબાન આરિફ શેખ, 4 વર્ષીય મનત આરિફ શેખ, 27 વર્ષીય મર્જીના આરિફ શેખ અને 27 વર્ષીય વિકેટ રમેશ યાદવનો સમાવેશ થાય છે. 2 અને 4 વર્ષના માસૂમ બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
7 ઘાયલો હોસ્પિટલમાં સારવાર હેઠળ
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 7 લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ભરતી કરાયા છે. કુર્લાની ભાભા હોસ્પિટલમાં સોહેલ અંસારી (18 વર્ષ), મોહમ્મદ અંસારી (14 વર્ષ), નઈમુદ્દીન ઇકબાલ ખાન (28 વર્ષ) અને સાજિદ અંસારી (16 વર્ષ) સારવાર હેઠળ છે. જ્યારે અન્ય 3 ઘાયલો—ફરાના દિલબર ખાન (28 વર્ષ), દિલબર અમાનુલ્લાહ ખાન (38 વર્ષ) અને શમીન મુસ્લિમ ખાન (26 વર્ષ) ની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
NDRF, BMC અને પોલીસનું સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન
દુર્ઘટના બાદ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, બીએમસી, એનડીઆરએફ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક વોર્ડ સ્ટાફની ટીમોએ મોરચો સંભાળી લીધો હતો. ડીસીપી ગણેશ શિંદેના જણાવ્યા મુજબ, કાટમાળ હટાવીને અન્ય કોઈ વ્યક્તિ ફસાયેલી છે કે નહીં તે ચકાસવા માટે તમામ અત્યાધુનિક સાધનો સાથે બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
ટેકરી વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા પર પ્રશ્નાર્થ
મુંબઈમાં સતત વરસી રહેલા મેઘમહેરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. કુર્લાની આ દુર્ઘટનાએ સંવેદનશીલ ઢોળાવ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા હજારો લોકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક આશ્રય અને તબીબી સહાય પૂરી પાડવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.












