ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર ચૂંટણીને લઈ શરદ પવારે શું કર્યો સનસનીખેજ દાવો?

નાગપુર, તા. 9 ઓગસ્ટ, 2025: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ના પ્રમુખ શરદ પવારે શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ને લઈને એક ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તેઓ દિલ્હીમાં હતા ત્યારે બે લોકો તેમને મળવા આવ્યા હતા અને તેમણે દાવો કર્યો હતો કે તેઓ ચૂંટણીમાં વિપક્ષી પક્ષોને 288માંથી 160 બેઠકો જીતાડી શકે છે. તેમણે નાગપુરમાં મીડિયાને સંબોધિત કરતા આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે તેમણે આ અંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પણ જણાવ્યું હતું અને તે બંને વ્યક્તિનો રાહુલ સાથે પરિચય પણ કરાવ્યો હતો. જોકે, રાહુલે આ વાતને નજરઅંદાજ કરી અને સલાહ આપી કે તેમણે આવી વાતો પર ધ્યાન ન આપવું જોઈએ અને સીધા જનતા પાસે જવું જોઈએ.

શરદ પવારનો આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે રાહુલ ગાંધી ચૂંટણી પંચ પર વોટ ચોરી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. પવારે દાવો કર્યો કે તેમણે આ બંને વ્યક્તિઓની વાતને ગંભીરતાથી ન લીધી, તેથી તેમની પાસે તેમના નામ અને સંપર્કની વિગતો નથી.

શરદ પવારના આ નિવેદન પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘પવારજી આ ખુલાસો રાહુલ ગાંધીના દાવાઓ પછી શા માટે કરી રહ્યા છે? પહેલા તો તેમણે ગાંધીના EVM સાથે છેડછાડના દાવાઓને સમર્થન આપ્યું નહોતું. ભારતમાં ગમે તે થાય, ચૂંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ હોય છે… ગાંધી એવી વાર્તાઓ કહે છે જે સલીમ-જાવેદની સ્ક્રિપ્ટ જેવી લાગે છે અને પવારજીની વાતો પણ એ જ સ્ક્રિપ્ટનો ભાગ લાગે છે.’

નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 132 બેઠકો જીતી હતી, જ્યારે તેના સાથી પક્ષો શિવસેના અને NCPને અનુક્રમે 57 અને 41 બેઠકો મળી હતી. ભાજપની ચૂંટણી જીત બાદ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ અમરેલીઃ લીલીયાના નિલકંઠ સરોવરનો રંગ બદલાયો: પાણી લીલું થતા વન્યજીવોનું જીવન જોખમમાં

Back to top button