ખીલાડી અને સર્કિટને હાઈકોર્ટમાંથી મળી રાહતઃ જાણો કોર્ટે કયા કેસમાં શું નિર્ણય આપ્યો?

મુંબઈ, 9 જૂન, 2025: રાજસ્થાન હાઈકોર્ટે અભિનેતા અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ જોલી એલએલબી-3 સામે અજમેરમાં દાખલ કરાયેલા કેસને ફગાવી દીધો છે. જસ્ટિસ અશોક જૈનની સિંગલ બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ દાવો ફક્ત શંકાના આધારે ટકી શકે નહીં. હાઈકોર્ટના આ નિર્ણયથી ફિલ્મના નિર્માતાઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ ફિલ્મનું દિગ્દર્શન સુભાષ કપૂર દ્વારા કરવામાં આવ્યું છે અને તે આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની અપેક્ષા છે.
રાજસ્થાન હાઈકોર્ટે આ મામલે કહ્યું કે ફિલ્મ હજુ નિર્માણ હેઠળ છે અને આવી સ્થિતિમાં, તે કહેવું કે તે ન્યાયાધીશો અને વકીલોની છબીને કલંકિત કરશે તે માત્ર એક ધારણા છે. ઉપરાંત, સિનેમેટોગ્રાફી એક્ટ 1952નો ઉલ્લેખ કરીને કોર્ટે કહ્યું કે જ્યાં સુધી ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી તેની સામગ્રી જાહેર કરી શકાતી નથી. જો કોઈને ફિલ્મના કોઈ દ્રશ્ય સામે વાંધો હોય, તો તેના માટે સેન્સર બોર્ડમાં ફરિયાદ અને અપીલની પ્રક્રિયા ઉપલબ્ધ છે.
અરજીમાં ફિલ્મના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે અજમેર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ ચંદ્રભાન રાઠોડે ફિલ્મના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આની સામે, અભિનેતા અક્ષય કુમાર, અરશદ વારસી અને દિગ્દર્શક સુભાષ કપૂરે હાઇકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. કોર્ટના નિર્ણયથી ફિલ્મને કાનૂની રાહત મળી ગઈ છે અને હવે તેના શૂટિંગ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. અક્ષય કુમાર અને અરશદ વારસીની સાથે, હુમા કુરેશી અને અમૃતા રાવ પણ ફિલ્મમાં જોવા મળશે.
આ પણ વાંચો..વિજય માલ્યાએ આ બોલિવૂડ અભિનેત્રીનું કન્યાદાન કર્યું હતું, કહ્યું- મારી માતા તરફથી












