મહિલા આરક્ષણ મુદ્દે સરકાર માત્ર દેખાડો કરી રહી છે- મલ્લિકાર્જુન ખડગે

Womens Reservation: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. તેમણે મોદીને ‘જૂઠાના સરદાર’ કહીને ટીકા કરી અને મહિલા આરક્ષણ મુદ્દે સરકાર પર માત્ર દેખાડો કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.
ખડગેએ કહ્યું, “જો સરકારને ખરેખર મહિલા આરક્ષણ લાગુ કરવું હોય તો તેણે સર્વદલીય બેઠક બોલાવીને બધાને પૂછવું જોઈએ કે તેને કેવી રીતે અમલમાં મૂકવું. પરંતુ મોદી સરકારે તેવું કર્યું નથી. તેણે માત્ર સત્ર બોલાવીને દેખાડવું છે કે અમને મહિલા આરક્ષણની ચિંતા છે. સત્ય એ છે કે મોદીના ખાવાના અને દેખાડવાના દાંત અલગ-અલગ છે.”
આ નિવેદન 17 એપ્રિલે લોકસભામાં સંવિધાન (131માં સુધારા) બિલની હાર બાદ આવ્યું છે. આ બિલનો હેતુ મહિલા આરક્ષણ ઝડપથી અમલમાં મૂકવા માટે 2011ની વસ્તી ગણતરીના આધારે બેઠકોનું સીમાંકન કરવાનો હતો. મતદાન દરમિયાન બિલને 298 મત સમર્થનમાં અને 230 મત વિરોધમાં મળ્યા, જે જરૂરી બે તૃતિયાંશ બહુમતીથી ઓછા હતા. તેથી આ બિલ પાસ થઈ શક્યું નહીં.
કોંગ્રેસનું સ્પષ્ટ વલણ છે કે પાર્ટી 2023ના ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને સમર્થન આપે છે અને મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવા માટે તૈયાર છે. જોકે, તે આ આરક્ષણને સીમાંકન અને વસ્તીગણતરી સાથે જોડવાનો વિરોધ કરે છે, કારણ કે તેના કારણે દક્ષિણ રાજ્યોની રાજકીય અસર ઘટી શકે છે અને કેન્દ્રના અધિકારો વધી શકે છે. કોંગ્રેસનું કહેવું છે કે હાલની 543 લોકસભા બેઠકો પર જ આરક્ષણ અમલમાં મૂકવું જોઈએ.
नरेंद्र मोदी ‘झूठों के सरदार’ हैं। वो चुनाव जीतने के लिए झूठ बोलते हैं।
अगर सरकार को महिला आरक्षण लागू करना था तो वो सर्वदलीय बैठक बुलाते और सभी से पूछते- इसे कैसे लागू कराया जाए?
लेकिन मोदी सरकार ने ऐसा न करके संसद का सत्र बुलाया, ताकि दिखावा किया जा सके कि हमें महिला आरक्षण… pic.twitter.com/w8PrSOQxRV
— Congress (@INCIndia) April 20, 2026
સરકારે આ બિલને મહિલા આરક્ષણને ઝડપથી અમલમાં મૂકવા માટે જરૂરી ગણાવ્યું હતું. પરંતુ વિરોધ પક્ષોએ તેને એકતરફી નિર્ણય કહીને ટીકા કરી અને કહ્યું કે તેમાં સર્વદલીય સમર્થનનો અભાવ છે. બિલ હાર્યા બાદ સરકારે સંબંધિત અન્ય બિલો પણ પાછા ખેંચી લીધા અને વિશેષ સત્ર અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું.
આ ઘટનાક્રમ બાદ વિરોધ પક્ષો વચ્ચે એકતા વધી રહી છે અને મહિલા આરક્ષણના અમલ અંગે વધુ ચર્ચા તથા સર્વસંમતિની માંગ વધી રહી છે.
આ પણ વાંચો: લગ્ન પછી રાતે શું કરે છે? TCS કેસમાં આરોપી રઝાએ પીડિતા સાથે કરી હતી અશ્લીલ વાતો












